વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બોન્ડારમાળ ગામે ત્રણ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરનાર ખુંખાર દીપડો આખરે પાંજરે પુરાતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો…ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં બોન્ડારમાળ ગામે શુક્રવારે વહેલી સવારે એક ખુંખાર દીપડાએ બે પુરૂષ સહીત એક મહિલા પર જીવલેણ હુમલો કરી ઘરમાં ભરાઈ જતા ગામમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ડાંગનાં બોન્ડારમાળ ગામે દીપડો ઘરમાં ભરાઈ જતા અહી બીજો કોઈ અનિશ્ચિનિય બનાવ ન બને તે માટે દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.રવિપ્રસાદ રાધાક્રિષ્ના સહીત એ.સી.એફ.આરતી ભાભોર, શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછી,ગલકુંડ રેંજનાં આર.એફ.ઓ બી.ઓ.પરમાર,ડાંગ એલ.સી.બી પી.એસ.આઈ જે.એસ.વળવી તથા વનકર્મીઓ તેમજ પોલીસ કર્મીઓનો કાફલો ઘટના સ્થળ પર તુરંત જ દોડી ગયો હતો.અને અહીથી લોકટોળુ વિખેરી પરિસ્થિતિને કાબુમાં લઇ ઘરનાં બારણામાં સુરક્ષિત રીતે પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યુ હતુ.અહી બોન્ડારમાળ ગામમાં આંતક મચાવનાર દીપડો સવારથી મોડી રાત્રી સુધીમાં ઘરમાં જ પુરાઈ રહેવાનું મુનસીબ માની વન વિભાગની ટીમને હાથતાળી જ આપતા સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો.અંતે રાત્રીનાં 3 વાગ્યાનાં અરસામાં આ ખુંખાર દીપડો સુરક્ષિત રીતે પાંજરામાં પુરાઈ જતા વન વિભાગ સહીત લોકોએ નિરાંતનો શ્વાસ લીધો હતો.હાલમાં શામગહાન રેંજનાં આર.એફ.ઓ ચિરાગભાઈ માછીએ પાંજરે પુરાયેલ દીપડાને વન વિભાગનાં કબ્જામાં લઈ દૂરનાં સ્થળે છોડવાની તજવીજ હાથ ધરી છે…