તા.૧૩/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બે લાખથી વધુ રકમની સર્જરી-સારવાર સિવિલમાં દાખલ દર્દીને નિઃશુલ્ક મળી શકશે
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તાજેતરમાં રાજકોટની પંડિત દીનદયાલ હોસ્પિટલ (સિવિલ) ખાતે રૂ. ૧૦ કરોડના ખર્ચે નવનિર્મિત કેથલેબ વિભાગ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે કાર્યરત કેથલેબ કે જે ગુજરાતની પ્રથમ કેથલેબ છે, અહીં તા. ૧૧ સપ્ટેમ્બરે રાજકોટના ૪૩ વર્ષીય સુરેશભાઈ નાકીયાને હૃદયની તકલીફ થતા દાખલ કરવામાં આવ્યા હતાં. કાર્ડિયોલોજિસ્ટ ડો. મનદીપ ટીલાળા અને તેમની ટીમ દ્વારા આજરોજ સુરેશભાઈની એન્જીયોગ્રાફી કરવામાં આવી હતી. એન્જીયોગ્રાફી કરવામાં આવતા દર્દીને હ્રદયની નસમાં ૯૦ ટકા બ્લોકેજ જોવા મળેલ હોઈ તેઓનું આવતી કાલે એન્જીયોપ્લાસ્ટી શસ્ત્રક્રિયા કરવામાં આવશે તેમ ડૉ. ટીલાળાએ જણાવ્યું છે.
સિવિલ અધિક્ષકડો. આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં એન્જીયોગ્રાફીની કિંમત રૂ. ૧૦ થી ૧૫ હજાર જેટલી થાય છે, જયારે એન્જીયોપ્લાસ્ટી સર્જરી અને સારવાર આશરે રૂ. બે લાખ જેટલી થતી હોય છે. અહીં સિવિલ ખાતે દર્દીને વિનામૂલ્યે સારવાર મળી રહેશે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર રાજકોટ સેન્ટરમાં આવે છે, તદઉપરાંત રાષ્ટ્રીય રાજ્ય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી, રાજકોટ, જુનાગઢ, અમરેલી, મોરબી અને જામનગરનાં રાજકોટથી નજીક થતા વિસ્તારના દર્દીઓને રાજ્ય સરકારના પ્રયત્નોથી હ્રદયરોગની વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલ ખાતે રિફર થવાની જરૂર નહીં રહે. પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે કાર્યરત કેથલેબ દ્વારા તેમની સારવાર અત્રેની હોસ્પિટલ ખાતે કરવામાં આવશે તેમ ડો. આર.એસ. ત્રિવેદીએ રાજકોટ સિવિલ ખાતે ઉપલબ્ધ કેથલેબ સુવિધા અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું.