GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

રાજ્યની 17 પાલિકાની 541 બાંધકામ સાઈટને વાયુ પ્રદૂષણ મુદ્દે રૂ. 1.23 કરોડથી વધુનો દંડ કર્યો

શિયાળાની શરૂઆત સાથે જ રાજ્યના મહાનગરોમાં વધી રહેલી હવા પ્રદૂષણની માત્રાને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં હવા પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ચર્ચા-વિચારણા દરમિયાન મુખ્યમંત્રીએ હવા પ્રદૂષણથી ભવિષ્યમાં થનારી ગંભીર અસરોને ધ્યાને લઈને અત્યારથી જ એલર્ટ થવા તેમજ પ્રદૂષણને અટકાવવા માટે રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવે રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો અને 6 પ્રાદેશિક નગરપાલિકાઓના કમિશનરો સાથે વર્ચ્યુઅલ બેઠક યોજીને હવા પ્રદૂષણને અટકાવવા અંગેની ચર્ચા કરી હતી. આ બેઠકમાં તેમણે શહેરી વિસ્તારોમાં ચાલતા બાંધકામની વિવિધ સાઈટનું ઈન્સ્પેક્શન કરીને પ્રદુષણને નિયંત્રણમાં લેવાના પગલા ભરવા સૂચના આપી હતી.

બેઠક બાદ મહાનગરપાલિકાઓએ તાત્કાલિક ધોરણે સાઈટ ઈન્સ્પેક્શનની કામગીરી શરુ કરી હતી. આ દરમિયાન મહાનગરોમાં બાંધકામ ચાલુ હોય તેવી કુલ 2,961 સાઈટ પૈકી માત્ર ત્રણ જ દિવસમાં 2,600થી વધુ સાઈટનું ઈન્સ્પેક્શન પૂર્ણ કરવામાં આવ્યું છે. જેમાં જૂની 08 મહાનગરપાલિકાની કુલ 1,563 સાઈટ પૈકી 1,303 સાઈટ તેમજ નવી 09 મહાનગરપાલિકાની કુલ 1,398 સાઈટ પૈકી 1,300 સાઈટનું ઈન્સ્પેકશન પૂર્ણ થયું છે. વધુમાં, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરી હેઠળની નગરપાલિકાઓમાં પણ કુલ 771 સાઈટ પૈકી તમામ સાઈટનું ઈન્સ્પેકશન પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ ઈન્સ્પેકશન દરમિયાન જૂની 08 મહાનગરપાલિકાની 506 સાઈટને દંડ કરીને રૂ. 122.82 લાખ પેનલ્ટી તેમજ નવી 09 મહાનગરપાલિકાની 35 સાઈટને દંડ કરીને રૂ. 1.058 લાખ પેનલ્ટીની વસૂલાત કરવામાં આવી છે. હાલમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા દૈનિક ધોરણે ઉપરોક્ત બાબતે સમીક્ષા તથા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

Back to top button
error: Content is protected !!