તા.૨૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
બાલિકા પંચાયત કિશોરીઓના શિક્ષણ, આરોગ્ય, પોષણ સહિતના સર્વાંગી વિકાસમાં તેમનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરશે
Rajkot, Gondal: રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદડ ગામ ખાતે રાજકોટ જિલ્લાની પ્રથમ સમરસ બાલિકા પંચાયતની રચના કરવામાં આવી છે.
ભારત સરકાર પુરસ્કૃત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વાર સંચાલિત “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાની શુભેચ્છા સાથે જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોષીના માર્ગદર્શન હેઠળ આ સમરસ બાલિકા પંચાયતનું નિર્માણ થયું છે.
આ બાલિકા પંચાયત એ કિશોરીઓનું બનેલ એક મંડળ છે, જેમાં એક સરપંચ અને તેમના હેઠળ ગ્રામ પંચાયતના વોર્ડ મુજબ એક-એક સભ્યો સામેલ કરવામાં આવેલ છે. આ મંડળ દ્વારા પાટીદડ ગામમાં શિક્ષણ, આરોગ્ય, પોષણ, રમત ગમત જેવા વિવિધ મુદ્દાઓ પર કાર્ય કરી અને કિશોરીઓનું પ્રતિનિધિત્વ દરેક ક્ષેત્રે સુનિશ્ચિત કરાશે. આ ઉપરાંત કિશોરીઓ મતદાન અંગેની પ્રક્રિયાથી અવગત થાય તે હેતુથી ગ્રામ પંચાયતની ચૂંટણી મુજબ જ બાલિકા પંચાયતની ચુંટણી આ અભિયાન અંતર્ગત કરવામાં આવે છે.
આ તકે પાટીદડ ગ્રામપંચાયતના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ પંચાયત સમિતિના સભ્ય,પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ અને શિક્ષકો તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકરી અને ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન – રાજકોટનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.