GUJARATKUTCHMUNDRA

ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે આરોગ્ય કવચ: ‘કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ હેઠળ ૧૦ લાખનું આયુષ્યમાન G કાર્ડ ઘરે બેઠા બનાવો!

વાત્સલ્યમ્ સમાચાર,

પુજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

🏥 ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે આરોગ્ય કવચ: ‘કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના’ હેઠળ ૧૦ લાખનું આયુષ્યમાન G કાર્ડ ઘરે બેઠા બનાવો!

 

ગુજરાત સરકારના કાયમી કર્મચારીઓના હિતમાં આરોગ્ય વિભાગ દ્વારા એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોજના ગુજરાત કર્મચારી કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (KSSY) અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા અધિકારી – કર્મચારીઓ અને તેમના પરિવારોને વાર્ષિક રૂપિયા ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ અધિકૃત હોસ્પિટલોમાં મળી શકશે. આ લાભ મેળવવા માટે લાભાર્થીઓએ ‘G-સિરીઝ’નું AB-PMJAY-મા કાર્ડ બનાવવું અનિવાર્ય છે. આ કાર્ડ આયુષ્માન કાર્ડથી અલગ નથી પરંતુ તે ખાસ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટેની કેટેગરી માટે છે.

આરોગ્ય વિભાગના પરિપત્ર મુજબ આ યોજનાનો લાભ લેવા માટે અધિકારી-કર્મચારીઓ હવે કોઈ પણ સરકારી કચેરીના ધક્કા ખાધા વિના પોતાના મોબાઈલ અથવા કોમ્પ્યુટરથી જાતે જ ઘર બેઠા કાર્ડ બનાવી શકે છે. આ માટે માત્ર બે બાબતોની ખાતરી કરવી જરૂરી છે: તમારો HRPA (હ્યુમન રિસોર્સ પર્સોનલ નંબર) જનરેટ થયેલો હોવો જોઈએ અને તે HRPA ડેટામાં તમારો આધાર નંબર અપડેટ થયેલો હોવો જોઈએ. 

કચ્છ જિલ્લાના મુંદરા તાલુકામાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આ યોજનાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. યોગેન્દ્ર પ્રસાદ મહતોને ધ્રબના આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. હસનઅલી આગરીયા દ્વારા કાર્ડ આપીને યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે:

 * કર્મચારીઓ તેમના નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ઉપરાંત ખાનગી PMJAY સાથે સંકળાયેલ હોસ્પિટલો અથવા ઇ-ગ્રામ સેન્ટર પર પણ બનાવી શકે છે.

 * અશક્ત અને સિનિયર સિટીજનો માટે સ્થાનિક આરોગ્ય કર્મચારી કે આશાનો સંપર્ક કરવાથી ધરે આવીને કાર્ડ બનાવી આપવામાં આવશે.

 * આ કાર્ડ બનાવવા માટે કોઈપણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી. આ સેવા સંપૂર્ણપણે વિના મૂલ્યે ઉપલબ્ધ છે.

કર્મચારીઓ આપેલ પદ્ધતિ પ્રમાણે મોબાઈલમાં પોતાની રીતે કાર્ડ બનાવવાની ભલામણ કરવામાં આવે છે જેમાં કોઈપણ મુશ્કેલી હોય તો તાલુકા હેલ્થ ઓફિસનો સંપર્ક કરવા જણાવાયું છે. આ ‘G-સિરીઝ’ કાર્ડ તબીબી કટોકટીના સમયે કર્મચારીઓ માટે એક મોટો આર્થિક આધાર પૂરું પાડે છે તેથી મોડું કર્યા વિના આજે જ તમારું કાર્ડ બનાવી લેવું હિતાવહ છે.

 

————————————

 

📌 ‘G-સિરીઝ’ કાર્ડ જાતે બનાવવાની સરળ પદ્ધતિ :

 

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA)ની વેબસાઈટ પરથી સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા નીચે મુજબ છે.

 

સ્ટેપ 1: સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગુગલ ક્રોમમાં ડેક્ષટોપ મોડમાં સરકારની અધિકૃત વેબસાઈટ beneficiary.nha.gov.in ઓપન કરો.

 

સ્ટેપ 2 : બેનિફિશિયરી સિલેક્ટ કરી કેપ્ચા કોડ દાખલ કરીને તમારો મોબાઈલ નંબર દાખલ કરો. અને ‘Verify’ પર ક્લિક કરો. તમારા મોબાઈલ પર એક OTP આવશે આ OTP અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગિન કરો.

 

સ્ટેપ 3 : લોગિન થયા પછી એક નવું પેજ ખુલશે. જેમાં સૌથી ઉપરના ભાગે નીચે મુજબ વિગતો પસંદ કરો:

Scheme (યોજના): PMJAY

State (રાજ્ય): Gujarat

Sub-scheme (પેટા-યોજના): Regular Employees

District (જિલ્લો): Kachchh

Search By: HRPA Number

હવે તમારો 8 આંકડાનો HRPA નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરીને ‘Search’ બટન પર ક્લિક કરો.

તમારા પરિવારની વિગતો સ્ક્રીન પર દેખાશે.

 

સ્ટેપ 4: જે સભ્યનું કાર્ડ બનાવવાનું હોય, તેના નામની સામે છેલ્લે ‘Action’ કોલમમાં ‘eKYC’ બટન પર ક્લિક કરો.

તમારા આધાર કાર્ડના છેલ્લા ચાર અંકો દેખાશે. ‘Verify’ પર ક્લિક કરો અને સૂચના વાંચી બોક્સમાં ટીક કરી ‘Allow’ પર ક્લિક કરીને સંમતિ આપો.

 

સ્ટેપ 5: હવે તમારા મોબાઈલ પર બે OTP આવશે: ઉપર પ્રથમ આધાર OTP (આધાર સાથે લિંક થયેલા નંબર પર) અને બીજો Beneficiary Mobile OTP (તમે જે નંબરથી લોગિન કર્યું છે તેના પર).

બંને OTP યોગ્ય જગ્યાએ દાખલ કરવાથી ઓટોમેટિક નવું પેજ ખુલશે.

 

સ્ટેપ 6: હવે ‘Capture Photo’ પર ક્લિક કરીને તમારો સ્પષ્ટ ફોટો સેલ્ફી મોડમાં પાડો. નીચે સ્ક્રોલ કરીને તમારો મોબાઈલ નંબર દાખલ કરી OTP થી વેરિફાય કરો. હવે તમારે ‘Family Details Certificate’ અપલોડ કરવાનું રહેશે. કેમેરા મોડમાં ફોટો પાડીને પણ કરી શકાય. આ પ્રમાણપત્ર તમારી કચેરીના વડા દ્વારા સહી કરેલું હોવું જોઈએ. દસ્તાવેજ અપલોડ કર્યા પછી અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ ભરો. ‘Submit’ બટન પર ક્લિક કરો.

 

સ્ટેપ 7 : તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થતા મેસેજ આવશે એનો સ્ક્રીન શોર્ટ પાડી લ્યો. શરૂઆતમાં ‘Card Status’ માં ‘Pending’ દેખાશે. સાતેક દિવસ પછી ઓથોરિટી દ્વારા વેરિફિકેશન થયા બાદ તમારું સ્ટેટસ ‘Approved’ થઈ ગયા બાદ તમારા મોબાઈલમાં મેસેજ આવશે. અને ત્યાં છેલ્લે ‘Download’ નું બટન આવી જશે.

 

સ્ટેપ 8 : ‘Download’ પર ક્લિક કરી મોબાઈલ OTP થી વેરિફાય કરીને તમે તમારું ‘G સિરીઝ’ કાર્ડ PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. જે કાર્ડ લેમિનેટટેડ પ્રિન્ટ કરાવીને સંભાળીને રાખો. જેથી જરૂરિયાત વખતે કામ આવે.


 

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!