
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે સમગ્ર પંથકમાં ભય અને ચિંતાનું મોજું ફરી વળ્યુ છે.આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો અને પવનની ગતિમાં થયેલા ફેરફારને પગલે માવઠાની પ્રબળ શક્યતા જોવા મળી રહી છે,આ વાદળછાયા વાતાવરણની વચ્ચે અમુક પંથકોમાં કમોસમી વરસાદનાં છાટા પણ પડ્યા હતા.જેને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. ખાસ કરીને બાગાયતી પાકો માટે જાણીતા આ જિલ્લામાં અત્યારે આંબા પર મોટા પ્રમાણમાં આમ્રમંજરી (મોર) બેઠેલી છે અને ક્યાંક નાના ફળ પણ દેખાઈ રહ્યા છે. જો આ સમયે વરસાદ પડે અથવા વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે, તો આ મંજરી ખરી પડવાની અને ફળોને જંગી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો આવી શકે છે.બીજી તરફ, ડાંગના ડુંગરાળ વિસ્તારોમાં જે ખેડૂતોએ રોકડિયા પાકોનું વાવેતર કર્યું છે તેમની હાલત પણ કફોડી બની છે. વાદળછાયા તથા છાટા તેમજ ભેજવાળા વાતાવરણને કારણે સ્ટ્રોબેરી જેવા નાજુક પાકમાં સડો લાગવાની શક્યતા વધી ગઈ છે, તો બીજી બાજુ કારેલા,રીંગણ,મરચા, ફણસી અને અન્ય શાકભાજીમાં વિવિધ પ્રકારની જીવાતો પડવાનો ખતરો ઊભો થયો છે. ખેડૂતોએ રાત-દિવસ એક કરીને અને મોંઘા ભાવની દવાઓ તેમજ ખાતરનો ઉપયોગ કરીને જે પાક ઉછેર્યો છે, તેના પર હવે કુદરતી આફત તોળાઈ રહી છે. જો આગામી સમયમાં વધારે પ્રમાણમાં વરસાદ પડશે તો ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન વેઠવાનો વારો આવશે, જેને લઈને હાલમાં ખેડૂતો ભારે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.તો બીજી તરફ સાપુતારાનું વાતાવરણ ખુશનુમામય બની જવા પામ્યુ છે.ગિરિમથક સાપુતારા ખાતે વાદળછાયા વાતાવરણની વચ્ચે અમીછાટણા પડતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ. સાપુતારા ખાતે ફરવા આવેલ પ્રવાસીઓએ દ્વિભાસી વાતાવરણની મોજ માણી હતી..





