આણંદના નાવલીમાં NCC લિડરશીપ એકેડમીનું ઉદ્ઘાટન

આણંદના નાવલીમાં NCC લિડરશીપ એકેડમીનું ઉદ્ઘાટન
તાહિર મેમણ – આણંદ – 25/07/2025 – ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજરોજ આણંદ-ખેડા જિલ્લાની મુલાકાતે છે. આણંદ જિલ્લાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આણંદના નાવલી ખાતે નવનિર્મિત NCC લીડરશીપ એકેડમીનું રિબિન કાપી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે NCC કેડેટ્સ દ્વારા મુખ્યમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
ઉદ્ઘાટન બાદ મુખ્યમંત્રીએ એકેડમીની મુલાકાત લીધી હતી. તેમજ મુખ્યમંત્રીએ NCC કેડેટ્સ તેમજ સ્ટાફ સાથે ગ્રુપ ફોટો પણ પડાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ મુખ્યમંત્રી નડિયાદ જવા રવાના થયા હતા. અદ્યતન સુવિધાથી સુસજ્જ એકેડમી
આ એન.સી.સી લિડરશીપ એકેડમીમાં ડ્રીલ ગ્રાઉન્ડ, ફાયરીંગ રેંજ, રૉક ક્લાઇમ્બિંગ વૉલ, અવરોધ માર્ગ, ગર્લ્સ હોસ્ટેલ, બોયસ હોસ્ટેલ, ડિજીટલ ક્લાસરૂમ્સ,ડાઈનીંગ હોલ, ઓડિટોરિયમ, ઓફિસર્સ મેસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
એકેડમીનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરાશે
ગુજરાત સરકારના વિઝનરી માર્ગદર્શન અને સહયોગ દ્વારા નિર્મિત આ એકેડમી રાજ્યના યુવાનોમાં નેતૃત્વ, શિસ્ત અને રાષ્ટ્રીય સેવાનો ભાવ જાગૃત કરવાનું કેન્દ્ર બની રહેશે. ગુજરાતમાં અમદાવાદ અને રાજપીપળામાં અત્યારે 1-1 એકેડમી કાર્યરત છે. હવે રાજ્યમાં ત્રીજી NCC લીડરશીપ એકેડમીનું નિર્માણ થયું છે, જેનું સંચાલન વલ્લભ વિદ્યાનગર ગ્રુપ હેડક્વાર્ટર અંતર્ગત કરવામાં આવશે.





