
અરવલ્લી
અહેવાલ: હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: શિયાળામાં કિચન ગાર્ડન.,પ્રકૃતિ અને પરિવારનું સ્વાસ્થ્યનો સંગમ
શિયાળાની શરૂયાતમા ઠંડી હવા, ધુમ્મસભર્યું વાતાવરણ અને સૂર્યની કિરણો….આ ત્રણેય મળીને એક અદ્ભુત તક આપે છે કિચન ગાર્ડનના શોખીનોને……ખાસ કરીને અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં, અને શહેરી વિસ્તારમાં પણ જ્યાં ખેતી અને પ્રકૃતિનું જીવંત જોડાણ છે, ત્યાં મહિલાઓએ કિચન ગાર્ડનને એક જીવનશૈલી બનાવી દીધું છે. આ નાનકડા બગીચાઓ ઘરના આંગણાને લીલુંછમ બનાવે છે રસોઈમાં તાજગી, સ્વાદ અને પોષણનો નવો રંગ પણ ઉમેરે છે.
અરવલ્લીના ગામડાઓમાં દરેક ઘરની પાછળ કે આંગણામાં નાનું-મોટું કિચન ગાર્ડન જોવા મળે છે. શિયાળામાં તો આ બગીચાઓ ખીલી ઊઠે છે. પાલક, મેથી, ધાણા, લસણના પાન, કોથમીર, ગાજર, મૂળા, ફ્લાવર, બટાકા, વટાણા આ બધું જ ઘરના કચરામાંથી તૈયાર થયેલા પ્રાકૃતિક ખાતરની મદદથી ઉગે છે. રસોડામાંથી નીકળતા છાલ, બચેલા શાક, ચાના પત્તા, ફળોના છોડા આ બધું કમ્પોસ્ટ પિટમાં પડે છે અને કુદરતી રીતે ખાતર બનીને માટીને સમૃદ્ધ બનાવે છે. કોઈ રસાયણ નહીં, કોઈ ઝેર નહીં માત્ર પ્રકૃતિનો સ્પર્શ.
આ કિચન ગાર્ડનનો સૌથી મોટો લાભ એ છે કે ઘરની મહિલાઓ પોતાના હાથે ઉગાવેલા શાકભાજીને રસોઈમાં વાપરે છે. સવારે ઉઠીને તાજું પાલક તોડીને સૂપ બનાવવું, મેથીની ભાજી બનાવવી, ધાણાની ચટણી તૈયાર કરવી આ બધું જ એક અલગ જ આનંદ આપે છે. બજારમાંથી લાવેલા શાકમાં જે તાજગી નથી હોતી, તે આ ઘરના બગીચામાંથી મળે છે. ઉપરાંત, આ શાકભાજીમાં પોષક તત્ત્વો પણ વધુ હોય છે કારણ કે તેમાં કોઈ કૃત્રિમ ખાતર કે જંતુનાશકનો ઉપયોગ થતો નથી.અરવલ્લીની મહિલાઓ આ કિચન ગાર્ડનને શોખ સાથે પરિવારના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું માધ્યમ પણ બનાવે છે. બાળકોને તાજા શાકભાજી ખવડાવવા, વૃદ્ધોને પૌષ્ટિક આહાર આપવો આ બધું જ આ નાના બગીચાઓથી શક્ય બને છે. ઘણી મહિલાઓ તો આ કિચન ગાર્ડનને આર્થિક બચતનું સાધન પણ માને છે. બજારમાંથી શાક ખરીદવાનો ખર્ચ બચે છે અને ઘરનો કચરો પણ ઉપયોગી બને છે.આ ઉપરાંત, કિચન ગાર્ડન મહિલાઓને માનસિક શાંતિ અને સક્રિયતા પણ આપે છે. સવારે બગીચામાં પાણી આપવું, નીંદામણ કાઢવું, છોડની સંભાળ લેવી આ બધું જ એક પ્રકારનું ધ્યાન છે. ઘણી મહિલાઓ આ બગીચાઓમાં નાના ફૂલોના છોડ પણ ઉગાવે છે ગુલાબ, ગલગોટા, ચંપા જે ઘરને સુંદરતા આપે છે.આ કિચન ગાર્ડનની પરંપરા હવે નવી પેઢીમાં પણ ફેલાઈ રહી છે. ગામની યુવતીઓ પણ માતાઓ પાસેથી આ કળા શીખી રહી છે. કેટલીક મહિલાઓ તો આ કિચન ગાર્ડનના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને અન્યોને પ્રેરણા આપે છે.





