૫-માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રામાં મિલેટ્સ ફુડ ફેરમાં લોકો ઉમટી પડ્યા
વિશ્વ મહિલા દિવસ અંતર્ગત મૈત્રી સાર્થ આયોજિત મેળામાં મહિલાઓ દ્વારા વિવિધ વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું
મુન્દ્રા કચ્છ :- વિશ્વ મહિલા દિવસ અંતર્ગત મૈત્રી સાર્થ આયોજિત મુન્દ્રામાં યોજાયેલ મિલેટ્સ ફુડ ફેરમાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મેળાને અદાણી ફાઉન્ડેશનના સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહના હસ્તે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં 17 જેટલા સ્ટોલમાં મહિલાઓ દ્વારા મિલેટ્સ દ્વારા જાતે બનાવેલી વિવિધ વાનગીઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સંયુકત રાષ્ટ્ર સંઘની મહાસભાએ ચાલુ વર્ષ ૨૦૨૩ને ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે જાહેર કર્યુ છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રસ્તાવને આવકારતા યુ.એન.ના ખાધ અને કૃષિ સંગઠન (એફ.એ.ઓ.) દ્વારા ઇટાલીના રોમ ખાતે યોજાયેલ કમિટીમાં સમર્થન આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે જેને બરછટ કે જાડા ધાન્ય ગણવામાં આવે છે એવા બાજરી, જુવાર અને રાગી જેવા પોષક અનાજને અંગ્રેજીમાં મિલેટ તરીકે ઓળખવામાં આવે છે. એક સમય હતો કે આ પ્રકારના પોષક યુક્ત ધાન્ય અનાજ માનવીઓના મૂળભૂત ખોરાકમાં સ્થાન ધરાવતો હતો. ઘી ચોપડેલો બાજરીનો ગરમ રોટલો અને ગોળ શકિતવર્ધક હોવા છતાં આજની પેઢીને પણ આઉટ ઓફ ડેટ લાગે છે. સૌરાષ્ટ્રમાં હજુ કયાંક રીંગણનો ઓળો અને બાજરીનો રોટલો ખોરાક તરીકે પ્રચલિત છે. પરંતુ શહેરી વિસ્તારોમાં બાજરીના રોટલાનું સ્થાન પિઝા અને ચાઇનિઝ ફૂડે લઈ લીધું છે. નવા ખોરાક અપનાવવાની સ્વાદ ઘેલછામાં ગુણાવગુણ જોવાનું ભૂલાઇ ગયું છે. ઓબેસિટી અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું પ્રમાણ વધતું જાય છે. પેટ અને આંતરડાને લગતી સમસ્યાઓ પણ શરીરમાં ઘર કરી ગઇ છે. દેખા – દેખી અને આધુનિક રહેવાની લ્હાયમાં કેટલાક જૂના ખોરાક ભૂલાયા તેમાં બાજરી વર્ગ (મિલેટ)નો પણ સમાવેશ થાય છે. લોકો ખાવાનું ભૂલ્યા એટલે ખેડૂતોએ ઉગાડવાનું બંધ કરી દીધું છે. આવું માત્ર ભારત જ નહી આફ્રિકાને બાદ કરતા સમગ્ર વિશ્વમાં થયું છે ત્યારે 2023નું વર્ષ ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે એ ખરેખર ઉચિત જ છે.