જિલ્લાકક્ષાના રમતોત્સવમાં વી. સી. હાઇસ્કૂલના વિદ્યાર્થીઓનો ડંકો
મોરબી શહેરની સરકારી શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે રમત ગમતમાં પણ સારું પ્રદર્શન કરી રહ્યા છે, તેનું પ્રેરણાદાયી ઉદાહરણ એટલે ધી વી. સી. ટેકનિકલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ.
તાજેતરમાં સર્વોપરી વિદ્યાલય, સાદુળકા ખાતે યોજાયેલ શાળાકીય રમતોત્સવ-2023 માં વી. સી. હાઈસ્કૂલના બે વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં 12-કોમર્સના વિદ્યાર્થી બામણિયા યુવરાજ વિનોદભાઈએ એથ્લેટિક્સમાં 100 મીટર તેમજ 400 મીટર દોડમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે અને 12-આર્ટ્સના વિદ્યાર્થી ચૌહાણ અમુલ મધુભાઈએ બેડમિન્ટનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. આ બંને વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્ય કક્ષાએ યોજાનાર રમતોત્સવમાં મોરબી જિલ્લાનું નેતૃત્વ કરશે. આ તકે શાળાના આચાર્ય જે. પી. પડસુંબિયા સહિત સર્વે સ્ટાફ દ્વારા બંને વિદ્યાર્થીઓનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા.