વાંકાનેર ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો
તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધારવા મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ તાલુકા કક્ષાના મિલેટ મેળાનું આયોજન પટેલ સમાજવાડી વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગોરખીજડીયાના કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિશે વિસ્તૃત જાણકારી ખેડૂતોને આપવામાં આવી હતી. સાથે સાથે શિયાળું પાકોની ખેતી પદ્ધતિ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
તાલુકા કક્ષાના મિલેટ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો. વી. કે. ચૌહાણ દ્વારા મિલેટનું વધુ વાવેતર થાય તે માટેની પ્રેરણા તેમજ પ્રાકૃતિક કૃષિ અને યોજનાકીય માહિતી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓ જન જન સુધી પહોંચે તે માટે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, આત્મા પ્રોજેક્ટ, આઈ.સી.ડી.એસ., પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો, ઇફકો તથા જીએનએફસી કંપનીના સ્ટોલની ગોઠવણી કરેલ હતી. જેથી ખેડૂતોને સરકારશ્રીની લાભકારી યોજનાઓ અને આધુનીક ખેતીના ઇનપુટો વિશે માહિતી મળી રહે. આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ ને એક જન આંદોલનના સ્વરૂપે લઈ સામાન્ય રીતે ગૌણ તરીકે જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મુલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય, વગેરેમાં સકારાત્મક પરિવર્તન આવે તેવા સહિયારા પ્રયત્નો થકી સફળ બનાવવા મિલેટ મેળાનું આયોજન કરેલ હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડો. વી. કે. ચૌહાણ, નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ) કે. જી પલસાણીયા, વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડો. આર ભોરણિયા, તાલુકા અમલીકરણ અધિકારીશ્રી એસ. બી. દલસાણીયા, શ્રી સાણજા, વિસ્તરણ અધિકારીશ્રી જુવાનસિંગ રાઠવા, ગ્રામસેવકશ્રી તેમજ બહોળી માત્રામાં ખેડૂતભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા.