બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી સંચાલિત સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વન્ય જીવ સપ્તાહની ઉજવણી કરાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં કુદરતી વન સંપદા અખૂટ પ્રાકૃત્તિક સૌંદર્યથી ભરપુર છે. ત્યારે જિલ્લામાં તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રાણીસૃષ્ટિના રક્ષણ અને સંરક્ષણને પ્રોત્સાહન આપવાના ઉમદા આશય સાથે થઈ રહેલી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી – રાજપીપલા સંચાલિત સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા તા. ૩જી ઓક્ટોબર, ૨૦૨૩ને મંગળવારના રોજ વન્ય જીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ માટે વન્યજીવ આધારિત ક્વિઝ, રંગોળી, કોલાજ આર્ટ, વકતૃત્વ, વન્યજીવ પર ફોટોગ્રાફી અને પોસ્ટર સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મધુકર પાડવીએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રાજપીપળા વન વિભાગના અધિકારી જિગ્નેશભાઈ સોનીએ તેમની ટીમ સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને વનવિભાગની કામગીરીમાં વપરાતા અત્યાધુનિક સાધનો જેવા કે ટ્રેકિંગ ડીવાઈઝ, જંગલ ખાતાની કામગીરી, વન વિભાગમાં કેરિયર અને પોતાના રેસ્ક્યુ ઓપરેશનોની રસપ્રદ માહિતી આપી હતી. જ્યારે વિષય તજજ્ઞ તરીકે મહેસાણા સ્થિત મ્યુનિસિપલ આર્ટસ અને અર્બન બેંક સાયન્સ કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગના અધ્યાપક ડૉ. જિગ્નેશ કનેજીયા અને સરકારી વિજ્ઞાન કોલેજ-વડનગરના પ્રાધ્યાપક શ્રીકાંત મકવાણાએ વન્ય જીવોને કેન્દ્રમાં રાખીને પ્રેરક વક્તવ્ય આપ્યું હતું.