રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિરની ચાલમાં રહેતા એક શખ્સના ઘર માંથી અંદાજે રૂ.૩.૨૪ લાખની ચોરી
સંબંધી મહિલા ગર્ભવતી હોય સુરત થી સુવાવડ માટે અહી આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ માં આવન જાવન બાદ ઘર માં આવ્યા ત્યારે ઘર ખુલ્લું જોતા ચોરી ની જાણ થઈ
ચોરી કરનાર શંકાસ્પદ મહિલા એક બાળક સાથે જતી સીસીટીવી ફૂટેજ માં જોવા મળતા પોલીસે શોધખોળ શરૂ કરી
જુનેદ ખત્રી : રાજપીપળા
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા હરસિધ્ધિ માતાના મંદિર ખાતે હાલમાં નવરાત્રી નો મેળો ભરાયો છે જોકે નવરાત્રી પૂર્ણ થયા બાદ આ મેળો બે ચાર દિવસ ચાલતો હોય તેમ હાલમાં પણ મેળામાં કેટલીક દુકાનો ચાલુ છે ત્યારે મંદિર ની અંદર આવેલી રૂમો માં ભાડે રહેતા લોકો પૈકી એક વ્યક્તિ નાં રૂમ માંથી ચોરી થયાની ઘટના પોલીસ મથકે નોંધાઇ છે. ઘટનાની જાણ થતાં જ ટાઉન પીઆઈ આર.જી. ચૌધરી પોતાની પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્યાં પૂછપરછ કરી ચોર નું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર હરસિધ્ધિ મંદિર ની ચાલ માં રહેતા અને રાજપીપળા માં શાકભાજી નો ધંધો કરતા હર્ષદભાઈ ત્રિભોવનભાઇ પરમાર,હાલ રહે.હરસિધ્ધિ મંદિર ચાલ, મૂળ.રહે.લાછરસ.તા. નાદોદ જી.નર્મદા નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ રાજપીપળા માં શાકભાજી નો ધંધો કરે છે તેમના સંબંધ માં એક બહેન ની સુવાવડ હોય તેની દોડધામ માં હતા અને અન્ય મહેમાનો પણ આવ્યા હતા માટે સિવિલ હોસ્પિટલ અને હરસિધ્ધિ મંદિર ની ચાલમાં તેઓ રહેતા હોય ત્યાં ઘરે અવર જવર થતી હતી એ દરમિયાન હોસ્પિટલ થી તેમના સંબંધી ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો જોતા તપાસ કરી તો ઘરની તિજોરી માંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી લગભગ અંદાજે ૩.૨૪ લાખની મત્તાની ચોરી કોઈ અજાણ્યા કરીને જતા રહ્યા હોવાનું જાણવા મળતાં પોલીસને જાણ કરતા પોલીસે તેમની ફરિયાદ નાં આધારે ગુનો દાખલ કર્યો છે.
જોકે પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા ચાલમાં આવેલી ફરિયાદીની રૂમ માં એક મહિલા બાળક સાથે ગયેલી અને ત્યારબાદ ઘર માંથી પરત નિકળતાં જોવા મળી છે જેથી પોલીસે તેની શોધખોળ માટે તજવીજ હાથ ધરી છે.