નર્મદા જિલ્લામાં તા. ૩૦ મી જાન્યુઆરીથી ૧૩ મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન

0
17
વાત્સલ્યમ્ સમાચાર

નર્મદા જિલ્લામાં તા. ૩૦ મી જાન્યુઆરીથી ૧૩ મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે “સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન

નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા રક્તપિત્ત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ

રાજપીપલા : જુનેદ ખત્રી

નર્મદા જિલ્લામાં જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં તેમની ચેમ્બરમાં જિલ્લાને રક્તપિત્ત મુક્ત કરવાના ઉમદા આશય સાથે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત “સ્પર્શ” રક્તપિત્ત જાગૃતિ અભિયાનના આયોજનના ભાગરૂપે ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન કમિશન કમિટીની બેઠક યોજાઈ હતી.

“સ્પર્શ” રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન સંદર્ભે યોજાયેલી બેઠકને સંબોધતા કલેક્ટરએ જણાવ્યું કે, જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા માટે ઝીણવટભર્યા આયોજન સાથે જિલ્લા-તાલુકા સહિત ગ્રામકક્ષાએ પ્રાથમિક શાળા-આરોગ્ય કેન્દ્ર ખાતે તેમજ ગ્રામસભા-રાત્રિસભાના માધ્યમથી લોકો માટે જનજાગૃત કરવું જરૂરી છે. વધુમાં તેઓએ ઉપલબ્ધ તમામ સંભવિત સંસાધનોનો ઉપયોગ કરીને રક્તપિત્તના નવા દર્દીઓને શોધી તેમની સારવાર કરી રક્તપિત્તને જડમુળથી સમાપ્ત કરવા અંગે સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતા.IMG 20230122 WA0008 1

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢકે પણ જણાવ્યું હતું કે, રક્તપિત્તના સૌથી વધુ કેસો ધરાવતા રાજ્યના ૧૨ જિલ્લાઓમાંથી રક્તપિત્ત રોગને જડમૂળથી સમાપ્ત કરવા ૩૦ જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસથી અવેરનેસ કેમ્પેઇન શરૂ થનાર છે. જે દરમિયાન ગ્રામસભાઓ સહિત વિવિધ પ્રવૃત્તિઓ થકી દર્દીઓને આ રોગ અંગે જાગૃત કરી વિશ્વાસ અપાવવાની કામગીરી કરવામાં આવશે કે આ રોગના વિસ્તાર અને શરીરની વિકૃતિ અટકાવી શકાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રક્તપિત્ત કોઈ પૂર્વ જન્મના પાપના લીધે નથી પરંતુ તે માત્ર બેકટેરિયાથી થતો ચેપી રોગ છે કે જે સારવારથી મટી શકે છે. આ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામસભા, ગ્રામ સંજીવની બેઠક, આરોગ્ય તપાસણી, રક્તપિત્ત બેનર વિતરણ, રક્તપિત્ત સ્ટીકર, ભીંતસૂત્રો, માઈકિંગ, પત્રિકા વિતરણ સહિતની ગ્રામ્યકક્ષાએ આઈ.ઈ.સી. એક્ટિવિટી દ્વારા લોકોને જાગૃત કરી જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા જિલ્લા લેપ્રસી અધિકારી ડો. હેતલભાઈ ચૌધીએ કલેક્ટરને વિશ્વાસ અપાવ્યો હતો. આ બેઠકમાં લેપ્રસી મેડીકલ ઓફિસર ડો.હિરેનભાઈ પ્રજાપતિ સહિત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીના સભ્યો હાજર રહ્યાં હતા.

બોક્ષ ૧

• રક્તપિત શું છે?

રક્તપિત્ત માઈક્રોબેકટેરીયલ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. કોઈપણ વયના સ્ત્રી-પુરુષને થવાની શક્યતા ધરાવતા આ રોગથી શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. જેની કાળજી લેવી અતિઆવશ્યક છે. સમયસર સારવાર કરવામાં ન આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. ઝડપી અને નિયમિત બહુઔષધિય સારવારથી રક્તપિત્ત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ/અપંગતા અટકાવી શકાય છે. રક્તપિત રોગના લક્ષણોની ચર્ચા કરીએ તો શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું તેમજ જ્ઞાનતંતુઓ જાડા થવા તેમજ તેમાં દુ:ખાવો થવો એ મુખ્ય લક્ષણ છે.

બોક્ષ ૨

* રક્તપિતના દર્દીને સારવાર કયાંથી મળી શકે?

રક્તપિત્ત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડિસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ ખાતે એમ.ડી.ટી. મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ છે, જેનો લાભ લઈને રક્તપિત્તનું ઉત્તમ નિદાન અને ઘનિષ્ઠ સારવાર મેળવી શકાય છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews