
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધારેમાં વધારે ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે છેલ્લા ચાર વર્ષથી રાજય સરકાર દ્વારા, તથા રાજયપાલશ્રીના માર્ગદર્શન હેઠળ આ બાબતે ઝુંબેશના રૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે.
ચાલુ વર્ષના અંત સુધીમાં રાજયમાં ૨૦ લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તથા દરેક ગ્રામ પંચાયતમાં એક મોડલ ફાર્મ તૈયાર કરવાનો નિર્ધાર રાજ્ય સરકારશ્રીનો છે. જે અંતર્ગત દરેક પાંચ ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર બેઝ તાલીમમાં યોજવામાં આવી રહી છે.
પ્રાકૃતિક કૃષિ વિષયક બીજાં તબક્કાની તાલીમમાં ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાના હિંદળા ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ હતી. જેમાં કુલ-૨૯ ખેડુતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી હતી.
આ તાલીમમાં માસ્ટર ટ્રેનર શ્રી પ્રદિપભાઇ એસ પાલવા, શ્રી અમુલભાઇ ગાવિત દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય આયામો જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાફસા, ખાટી છાસ, ગૌ મૂત્ર, રાખના ઉપયોગ વિશે ખુબ ઊંડાણપૂર્વક માહિતી આપી, આ તમામ વસ્તુઓ પોતાના ઘરે કેવી રીતે બનાવવી અને તેનો ખેતીમાં ઉપયોગ કઇ રીતે કરી શકાય તેના વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.





