પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ- પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા લગત વિભાગોને સુચના આપવામાં આવી છે. જે અન્વયે રોડ રસ્તા રિપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નવસારી જિલ્લામાં પણ ઝુંબેશના ભાગરૂપે સ્ટેટ હાઈવે માર્ગોની મરામતની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે.ત્યારે નવસારી જિલ્લા કાર્યપાલક ઈજનેરશ્રી એમ એસ પટેલશ્રી અને તેમની ટીમ દ્વારા વાંસદા વઘઈ રોડ ચેનલ નંબર ૪૪/૪/ થી ૫૯/૬ પર ચાલી રહેલ મરામત કામગીરીની સ્થળ નિરિક્ષણ કરવામાં આવ્યું છે અને રસ્તા રિપેર, ચકાસણી તથા અન્ય ગુણવત્તાવર્ધક કામગીરીઓ માટે સ્થળ પર હાજર ડીવીઝનના ઈજનેર તથા કામગીરી કરનાર એજન્સીને જરૂરી સૂચનો કાર્ય હતા. આ સ્થળ મુલાકાત દરમિયાન નવસારી કાર્યપાલક ઈજનેર એમ એસ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારશ્રીની સુચના અનુસાર તથા તકેદારીના ભાગરૂપે જિલ્લાના સ્ટેટ માર્ગો ક્ષતિગ્રસ્ત જણાય તો તેને રિપેરિંગ કરવાનું કામ હાથ ધરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. વાહન ચાલકો-લોકોને તકલીફ ન પડે તેવી રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સરકારશ્રીનાં આદેશોથી નવસારી જિલ્લામાં રોડ-રસ્તાનું રેપેરિંગ કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે . ઉલ્લેખનીય છે કે, નાગરિકોને રસ્તાઓ પર અવરજવર કરવામાં કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો મુજબ નવસારી જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા સ્ટેટ માર્ગોનું સમારકામ ત્વરિત ધોરણે હાથ ધરવામાં આવી રહ્યું છે.