નવસારી મહાનગરપાલિકા દ્વારા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સિનિયર સિટીઝન્સ માટે વિનામૂલ્યે વાહન સેવા શરૂ કરાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી શહેરના નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે સતત કાર્યરત નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે એક પ્રશંસનીય જનહિતનું પગલું ભરવામાં આવ્યું છે. નવસારીના માનનીય મેયરશ્રી તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રી, ડે.મેયરશ્રી , સ્થાયી સમિતિના ચેરમેન તથા અન્ય સમાજના આગેવાનોના વરદ હસ્તે નવસારી રેલ્વે સ્ટેશન અને જલાલપોર ફાટક વિસ્તારમાં સિનિયર સિટીઝન્સ માટે મુખ્યત્વે વિનામૂલ્યે (મફત) વાહન પરિવહન સેવાનો ભવ્ય પ્રારંભ લીલી ઝંડી આપી કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા
આ પરિવહન સેવાનો મુખ્ય હેતુ રેલ્વે સ્ટેશન અને આસપાસના વ્યસ્ત વિસ્તારોમાં અવરજવર કરતા વૃદ્ધો અને વરિષ્ઠ નાગરિકોને ટ્રાફિક, બંધ ફાટક ,લાંબો ઘેરાવ તેમજ ભારે ગરમી કે વરસાદમાં સરળતાથી અવર જવરની સુવિધા પૂરી પાડવાનો છે. રેલ્વે સ્ટેશન સિટી બસ પોર્ટથી રવિ દાણા ચણાની સામે આ વાહન ફેરા મારસે જેથી આ વાહન સેવા વડીલો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.
મહાનગરપાલિકાના સૂત્ર “સેવા – સુવિધા – સહકાર” ને સાર્થક કરતી આ યોજના અંતર્ગત નાગરિકોએ પાલિકાના આ સંવેદનશીલ અભિગમને બિરદાવ્યો છે. આગામી સમયમાં આ સેવાનો લાભ શહેરના અનેક વરિષ્ઠ નાગરિકો મેળવી શકશે, જેથી તેમની મુસાફરી વધુ સુરક્ષિત અને આરામદાયક બનશે.


