વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારીબ્યુટીપાર્લરનું કામકાજ કરી પગભર તો બન્યા જ સાથો સાથ ગામના વિદ્યાર્થીઓને ભણાવવાનું ઉમદા કાર્ય પણ કરી રહ્યા છે.
રાજ્યના કેટલાય દિવ્યાંગો પગભર બનીને સમાજને સ્વમાનભેર જીવવાનું શીખવી રહ્યા છે. દિવ્યાંગતાને ક્ષમતામાં પરિવર્તિત કરતાં વાંસદાના સુખાબારી ગામના પદ્માબહેન પટેલ તેનું જ્વલંત ઉદાહરણ છે. ૨૩ વર્ષીય પદ્માબહેન પટેલ દિવ્યાંગ છે, પણ જુસ્સો બુલંદ છે. તેઓ ઘરઆંગણે મહેંદી, બ્યુટીપાર્લરનું કામકાજ કરી સ્વનિર્ભર તો બન્યા જ સાથોસાથ ગામના વિદ્યાર્થીઓને ભણાવવાનું ઉમદા કાર્ય પણ કરી રહ્યા છે. આત્મનિર્ભરતાના પ્રેરક ઉદાહરણરૂપ પદ્માબહેન પટેલ મજબૂત મનોબળ અને ઈશ્વરે આપેલી આંતરિક શક્તિઓને ઓળખીને બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. આજે સરકાર દ્વારા મળતી દરેક સહાયની જાણકારી છે અને દિવ્યાંગ તેમજ અન્ય સ્વનિર્ભર બનાવતી યોજનાઓનો લાભ લઈ તેઓ પગભર પણ બન્યા છે . પદ્માબહેનના પિતા અવસાન પામ્યા છે અને માતા છુટક મજુરી કરતા હતા. પદ્માબહેન જણાવે છે કે શારીરિક ક્ષતિ માનવીની પ્રગતિમાં ક્યારેય અવરોધરૂપ બનતી નથી. પરંતુ નબળી માનસિકતા અવરોધરૂપ બને છે. દિવ્યાંગજનોને કોઈ ને કોઈ સુષુપ્ત શક્તિ સ્વરૂપે ગોડ ગિફ્ટ મળી હોય જ છે જેને સાચી દિશામાં વાળીને ધાર્યું પરિણામ લાવી શકાય છે. પદ્માબહેન વધુમાં જણાવે છે કે દિવ્યાંગો માટે રાજ્ય સરકારની ઘણી યોજના છે, જેનો લાભ લઈને જિંદગીને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે. નેશનલ ડિસેબિલીટી તથા સંત સુરદાસ પેન્શન યોજના હેઠળ રૂ.૧૦૦૦ માસિક પેન્શન, વિનામૂલ્યે GSRTC બસ મુસાફરી પાસ તથા રેલ્વે પાસ અને ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત બ્યુટી પાર્લરની કીટ સાધનની સહાય મને મળેલ છે. બસ મુસાફરી પાસના લીધે જાહેર પરિવહનનો ઉપયોગ કરી કામ માટે સરળતાથી અવરજવર કરી શકું છું. મહેંદી અને બ્યુટીપાર્લરના શોખને સ્વરોજગારમાં પરિવર્તિત કરી આર્થિક રીતે આજે હું પગભર બની છું. ગામના તથા આસપાસના લગ્ન પ્રસંગ દરમિયાન હું મહેંદી અને બ્યુટીપાર્લરના કામ થકી સારી આવક મેળવી રહી છું . પદ્માબહેન દિવ્યાંગ હોવા છતાં સમાજને મદદરૂપ થવાની ઉદાત્ત ભાવના ધરાવે છે. તેઓ કહે છે કે, ગામના વિદ્યાર્થીઓને ગણિત અને અંગ્રેજી તથા ધો.૧૧ અને ૧૨ના આર્ટ્સના વિધાર્થીઓને મનોવિજ્ઞાન અને તત્વજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ આપી ગામના યુવાધનને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરી રહી છું. ઈશ્વરે જે કંઈ પણ આપ્યું છે તેનો સ્વીકાર કરી દિવ્યાંગ ભાઈઓ અને બહેનોએ આગળ આવીને સમાજ સુરક્ષા હસ્તકની વિવિધ દિવ્યાંગ યોજનાઓ છે જેનો લાભ લઈ સ્વનિર્ભર બનવું જોઈએ એવો મત તેઓ વ્યક્ત કરે છે. આમ, પદ્માબહેન જેવા દિવ્યાંગજનો ન માત્ર સ્વયં સક્ષમ બન્યા છે બલ્કે સમાજને ઉપયોગી થવાની ભાવના સાથે અન્યોને પણ મદદરૂપ પણ બનીને આત્મનિર્ભરતાની મિસાલ કાયમ કરી રહ્યા છે.ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સમાજ સુરક્ષાએ ખાતુ હસ્તકની વિવિધ દિવ્યાંગ યોજનાઓ• દિવ્યાંગ ઓળખકાર્ડ અને મુફ્ત મુસાફરી બસ પાસ યોજના • દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની યોજના
• દિવ્યાંગ શિષ્યવૃત્તિ યોજના
• સંત સુરદાસ પેન્શન યોજના
• બૌદ્ધિક અસમર્થતા ધરાવાતા દિવ્યઅંગ સહાય યોજના
• દિવ્યાંગ લગ્ન સહાય યોજના
• કેદી સહાય યોજના
• પાલક માતા પિતા યોજના
• શેરો પોઝિટિવ ઈલનેશ યોજના
• નિરામય હેલ્થ ઇન્શ્યોરન્સ યોજના
• દિવ્યાંગ વ્યક્તિ કુટુંબીજનને વિમા સહાય
દિવ્યાંગ યોજનાઓની વધુ વિસ્તૃત માહિતી માટે દિવ્યાંગ ભાઈ બહેનો www.esamajkalyangujarat.gov.in પરથી મેળવી શકશે અથવા નવસારી જૂનાથાણા જિલ્લા સેવા સદન સી બ્લોક ભોંયતળિયા પર આવેલ જિલ્લા સમાજ સુરક્ષાએ અધિકારીશ્રીની કચેરી પરથી મેળવી શકશે . (મો): 02637-232440/ ઈ મેલ:dsdo-nav@gujarat.gov.in
નવસારી; વાંસદાના સુખાબારી ગામના ઝિંદાદિલ દિવ્યાંગ પદ્માબહેન દ્રઢ મનોબળ થકી સ્વનિર્ભર બન્યા…
વાત્સલ્યમ્ સમાચાર