KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસની કાર્યવાહી: દેલોલ ચોકડી પાસે જાહેરનામાનો ભંગ કરી DJ વગાડતા આઈશર ચાલક સામે પગલા.

 

તારીખ ૦૯/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

સુપ્રીમ કોર્ટના ધ્વનિ પ્રદૂષણ અંગેના નિર્દેશોનું પાલન કરાવવા અને રાજ્ય વ્યાપી ચાલી રહેલી ખાસ ડ્રાઈવ અંતર્ગત કાલોલ પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. દેલોલ ચોકડી પાસે જાહેર જનતા અને રાહદારીઓને ભારે ખલેલ પહોંચે તે રીતે મોટા અવાજે ડી.જે. વગાડીને પસાર થતા એક આઈશર ગાડીના ચાલક સામે પોલીસે કાયદેસરનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કાલોલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. અને તેમની ટીમ દેલોલ ચોકડી પાસે વાહન ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત હતા. આ દરમિયાન ત્યાંથી એક આઈશર ગાડી (નંબર: GJ-23-A T-1243) પસાર થઈ રહી હતી, જેમાં ‘માં મેલડી સાઉન્ડ’ નામની ડી.જે. સિસ્ટમ ફીટ કરેલી હતી અને તે અત્યંત ઉંચા અવાજે વાગી રહી હતી. જાહેર જનતાની શાંતિમાં ભંગ થતો જોઈ પોલીસે તુરંત જ આઈશરને સાઈડમાં કરાવી ડી.જે. બંધ કરાવ્યું હતું. પોલીસે જ્યારે ગાડીના પાછળના ભાગે ડી.જે. ઓપરેટ કરી રહેલા યુવકની પૂછપરછ કરી, ત્યારે તેણે પોતાનું નામ રાજકુમાર ગણપતભાઈ રાઠોડ (ઉંમર વર્ષ ૩૨, રહે. ટીમ્બા ફળિયું, દેલોલ, તા. કાલોલ) હોવાનું જણાવ્યું હતું.પોલીસે જ્યારે આરોપી રાજકુમાર રાઠોડ પાસે ડી.જે. વગાડવા અંગેની મંજૂરી કે પાસ-પરમિટ માંગી, ત્યારે તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા લાઉડસ્પીકર અને ડી.જે. વગાડવા સંદર્ભે બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો આ સરેઆમ ભંગ હતો. જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!