KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ મીરાપુરી ગામમાં આગનો તાંડવ: શોર્ટ સર્કિટથી 2 ઘર ભસ્મીભૂત, ઘટનાસ્થળે સાંસદ-ધારાસભ્ય દોડી આવ્યા.

 

તારીખ ૦૯/૦૬/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના મીરાપુરી ગામે ગત સાંજે શોર્ટ સર્કિટના કારણે અચાનક બે રહેણાંક મકાનોમાં ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. આગની લપેટમાં આવી જતાં બંને મકાનોમાં રાખેલી તમામ ઘરવખરી, અનાજ અને કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસર ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવતા આગ પર કાબૂ મેળવ્યો હતો, જેને પગલે મોટી હોનારત ટળી હતી.

મળતી માહિતી મુજબ, મીરાપુરી ગામે આવેલા બે રહેણાંક મકાનોમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. ઉનાળાની સિઝનમાં ગરમીના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને મકાનોને પોતાની લપેટમાં લઈ લીધા હતા. મકાનમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની જ્વાળાઓ ઉડતી જોઈ સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ પોતપોતાની રીતે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના ભગીરથ પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રહેલો અનાજનો જથ્થો, ઘરવખરી અને અન્ય કિંમતી સામાન બળીને રાખ થઈ ગયો હતો.આગની ઘટના અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરોની ટીમ સ્ટાફ સાથે ત્વરિત ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ યુદ્ધના ધોરણે સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સરાહનીય અને સમયસરની કામગીરીને કારણે આગ આજુબાજુના અન્ય રહેણાંક મકાનો સુધી ફેલાતી અટકી ગઈ હતી, જેથી આસપાસના રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.સદનસીબે આ ભયાનક અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઈજા થવાના સમાચાર નથી, જે મોટી આશ્વાસનની બાબત છે. જોકે, આગને કારણે બંને ગરીબ પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ નુકસાનીનું આંકલન કરવા માટે પંચનામા સહિતની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોએ પણ ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ તેમજ કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી,સ્થાનિક વહીવટી તંત્ર, અગ્નિશામક વિભાગ તથા સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી રાહત અને બચાવ કામગીરી અંગે જરૂરી સૂચનાઓ આપી. અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય સમયસર મળી રહે તે માટે તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.

Back to top button
error: Content is protected !!