કાલોલની શરમજનક ઘટના: વસ્તી ગણતરી દરમિયાન શિક્ષિકા સાથે ગેરવર્તન અને પતિ પર ઇંટ વડે હૂમલો,3 આરોપીઓ સામે કડક પગલાંની માંગ ઉઠી.

તારીખ ૦૯/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા વિસ્તારમાં વસ્તી ગણતરી ૨૦૨૬ની સરકારી કામગીરી દરમિયાન એક મહિલા શિક્ષિકા (ગણતરીદાર) સાથે અભદ્ર વર્તન કરી, ગંદી ગાળો બોલી અને તેમના પતિ પર ઈંટ વડે જાનલેવા હુમલો કરવાની શરમજનક ઘટના સામે આવી છે. આ ગંભીર મામલે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ દ્વારા મામલતદાર અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આવેદન પત્ર આપી હુમલો કરનારાઓ સામે દાખલારૂપ કાયદેસરની કાર્યવાહી કરવા અને મહિલા શિક્ષિકાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ, અલીન્દ્રા પ્રાથમિક શાળાના મહિલા આસિસ્ટન્ટ શિક્ષિકા નિશાબેન અશોકપુરી ગોસાઈ હાલમાં કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર ૨, બ્લોક નંબર ૧૨માં વસ્તી ગણતરીની કામગીરી બજાવી રહ્યા છે. ગત શનિવારના રોજ સાંજે જ્યારે તેઓ સુથાર ફળિયા વિસ્તારમાં ઘર ગણતરીની કામગીરી કરી રહ્યા હતા, ત્યારે આશિષકુમાર ગીરીશભાઈ પંચાલ, તેમનો પુત્ર અને પ્રગ્નેશકુમાર પંચાલ નામના વ્યક્તિઓએ ઘર બાબતે પૂછવામાં આવેલા સવાલો પર ઉશ્કેરાઈ જઈને અત્યંત ખરાબ અને અભદ્ર ગાળો બોલવાનું શરૂ કર્યું હતું.જ્યારે મહિલા શિક્ષિકાએ ફરજ પર શાંત રહીને સારું વર્તન કરવા જણાવ્યું, ત્યારે આ ત્રણેય ઈસમો વધુ ઉગ્ર બન્યા હતા. તેઓએ મહિલા શિક્ષિકા અને તેમની સાથે રહેલા તેમના પતિ પર ઈંટ વડે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મહિલા શિક્ષિકાના પતિને માથાના ભાગે ઈંટ વાગતા લોહીલુહાણ હાલતમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર, વસ્તી ગણતરી સુપરવાઈઝર અને કાલોલ પોલીસ સ્ટેશનમાં પણ લેખિતમાં જાણ જોગ અરજી કરવામાં આવી છે.આ ઘટનાને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સખત શબ્દોમાં વખોડી કાઢી છે અને તંત્રને રજૂઆત કરી આવેદનપત્ર આપી જણાવેલ કે સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરનાર અને હુમલો કરનાર પિતા-પુત્ર સહિત ત્રણેય ઈસમો સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય ન કરે.મહિલા શિક્ષિકા સદર વિસ્તારમાં આશરે ૨૮૦ જેટલા ઘરોની ગણતરી પૂર્ણ કરી ચૂક્યા છે, પરંતુ હવે બાકીનો વિસ્તાર તેમના માટે જીવનું જોખમ ધરાવતો હોવાથી તેમને બાકીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. ભયના ઓથાર હેઠળ જીવી રહેલા આ બેનની જગ્યાએ અન્ય કોઈ કર્મચારીને કામગીરી સોંપવામાં આવે.અંતરિયાળ, સંવેદનશીલ અને દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતી મહિલા શિક્ષિકાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર યોગ્ય તકેદારી રાખે.ચાલુ ફરજે થયેલા આ હિંસક હુમલાના કારણે મહિલા શિક્ષિકા હાલ ભારે માનસિક દબાણ હેઠળ છે. સરકારી કર્મચારીઓ પર થતા આવા હુમલાઓને કારણે શિક્ષક આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે તાત્કાલિક ધરપકડ સહિતના પગલાં લેવાની માંગ બળવત્તર બની છે.






