PANCHMAHALSHEHERA

શહેરા તાલુકા વિકાસ અધિકારીએ પૂર્વ સરપંચ અને વર્તમાન સરપંચ વિરુદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

શહેરા

શહેરા તાલુકાના મોર ઉંડારા ગામના પૂર્વ સરપંચ અને વર્તમાન સરપંચ દ્વારા ૧૪મા અને ૧૫મા નાણાંપંચ સહિત વિવિધ વિકાસના કામોમાં રૂપિયા ૧ કરોડ ઉપરાંતનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવતા શહેરા તાલુકા વિકાસ અધિકારીએ પૂર્વ સરપંચ અને વર્તમાન સરપંચ વિરુદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

આજ થી એક વર્ષ અગાઉ ૬ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆને પત્ર લખી જણાવ્યું હતું કે શહેરા તાલુકાની મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વર્ષ ૨૦૧૫-૧૬ થી ૨૦૨૨-૨૩ સુધીમાં ૧૪મા નાણાંપંચ ૧૫મા નાણાંપંચ તેમજ અન્ય વિકાસના કામોમાં મોર ઉંડારા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને તેઓના પુત્ર વર્તમાન સરપંચે મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હોય અને કામો કર્યા સિવાય નાણાંની ઉચાપત કરેલ હોય જેની યોગ્ય તપાસ હાથ ધરવા જિલ્લા વિકાસ અધિકારીને જણાવ્યું હતું,જે સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ એ તા.૦૯/૦૨/૨૦૨૩ ના રોજ શહેરા તાલુકા વિકાસ અધિકારીને એક ટિમ બનાવી કથિત ભ્રષ્ટાચાર મામલે તપાસ કરવા જણાવતા તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીએ શહેરા માર્ગ અને મકાન પંચાયત વિભાગના મદદનીશ ઈજનેર એમ.કે.પટેલ, માર્ગ અને મકાન સ્ટેટ ગોધરાના પ્રણય રાણા, શહેરા મનરેગા શાખાના એ.ડબ્લ્યુ એમ. આર.કે.બારીઆ, મનરેગા શાખાના ટી.એ. મયુર ખુશલાણી સહિતની તપાસ ટીમ બનાવી હતી,ત્યારબાદ તપાસ ટીમ દ્વારા મોર ઉંડારા ગામે વિવિધ કામોની તપાસ કરી તા.૨૬/૦૬/૨૦૨૩ના રોજ તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા ને એહવાલ રજૂ કર્યો હતો,જે બાદ શહેરાના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડા દ્વારા તપાસનો એહવાલ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરાયો હતો. જેમાં મોર ઉંડારા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સોમાભાઈ બાપુજી પગી તેમજ હાલના સરપંચ મહેશ સોમાભાઈ પગી દ્વારા વર્ષ ૨૦૧૫ થી વર્ષ ૨૦૨૨-૨૩ ના ૧૪માં અને ૧૫માં નાણાંપંચના (ગ્રામ્ય કક્ષા)ના કામોમાં તથા એ.ટી.વી.ટી. વિકાસશીલ, ૧૫ ટકા વિવેકાધીન જોગવાઈ, પી.એ.એસ.પી. વિગેરે યોજનામાં સ્થળ ઉપર વિકાસના કામો કરવામાં આવ્યા ન હોવા છતાં કામો પૂર્ણ બતાવી દેવામાં આવ્યા હોવાની સાથે તેની નાણાંની ચુકવણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમ્યાન ગ્રામ પંચાયત મોર ઊંડારાના વર્ષ ૨૦૧૫-૧૬ થી ૨૦૨૨-૨૩ માં સરપંચો દ્વારા ૧૪માં નાણાંપંચ અને ૧૫માં નાણાંપંચ (ગ્રામ્ય કક્ષા) અને વિકાસના કામો જેવા કે ૧.૧૫ ટકા વિવેકાધીન જોગવાઈના કામો, ૨.એ.ટી.વી.ટી. કાર્યવાહકના કામો, ૩.એ.ટી.વી.ટી. વિકાસશીલ જોગવાઈના કામો, ૪.એમ.એલ.એ. જોગવાઈના કામોમાં સરકાર દ્વારા ફાળવેલ ગ્રાન્ટોની સ્થળ ઉપર કામ નહિ કરી ગેરરીતિ કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જણાઈ આવ્યું હતું. તપાસમાં વિવિધ યોજનાઓમાં આવતા ૫૯ જેટલા કામો સ્થળ ઉપર નહીં કરી સરકાર દ્વારા ફળવાયેલ તમામ કામોની ગ્રાન્ટોની કુલ કિંમત રૂ.૧ કરોડ ૧ લાખ ૮૭ હજાર જેટલી માતબર રકમનું ચુકવણું પણ કરી દેવામાં આવ્યું હતું. જેમાં ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનું જણાઈ આવતા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆના તા.૧૨/૦૧/૨૦૨૪ ના હુકમના આધારે શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલને પૂર્વ સરપંચ સોમાભાઈ બાપુજી પગી અને તેઓના પુત્ર વર્તમાન સરપંચ મહેશ સોમાભાઈ પગી વિરુદ્ધમાં ફરિયાદ કરવાની સૂચના આપી હતી,જે સંદર્ભે ગુરુવારના રોજ પિતા-પુત્ર વિરુદ્ધ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે IPC કલમ ૪૦૯,૧૧૪, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટની કલમ ૧૩(૧)(બી) મુજબ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.અને આ સમગ્ર ગુન્હાની તપાસ નાયબ પોલીસ અધિક્ષક પરાક્રમસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!