GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લામાં ધોરણ ૯ થી૧૦ ની મંજૂરી વગર શાળા ચલાવનાર સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં આવેલ ઓઝર ગામ ખાતે સિયોન સુવાર્તિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત સિયોન એજ્યુકેશન ઇન્સ્ટીટ્યુટ, ઓઝર ધોરણ-૯ અને ૧૦ માટે રાજ્ય સરકારની મંજૂરી વિના ગેરકાદેસર રીતે શાળા શરૂ કરનારા સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા વલસાડ જિલ્લામાં મંજૂરી વિના ખાનગી શાળા ચલાવતા સ્કુલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરના પત્ર નં: મઉમશબ/શાનિ/૭૩૫૩ તા: ૦૭/૦૮/૨૦૨૫ ના આધારે સંબંધિત સંસ્થા વિરુદ્ધ પોલીસ ફરિયાદ (FIR) નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટરશ્રી ભવ્ય વર્માની સૂચના અનુસાર તથા સચિવશ્રી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા: ૨૬/૦૬/૨૦૧૮ના રોજ પ્રસિદ્ધ જાહેર નોટીસ મારફતે વાલીઓને કોઈ પણ પ્રકારની મંજુરી વિનાની શાળાઓમાં બાળકનો પ્રવેશ ન કરાવવા જણાવ્યું છે તથા આવી શાળાઓ સામે ફોજદારી રાહે પગલા લેવા સૂચના આપવામાં આવી છે. આ બાબતને ધ્યાને લઇ, જિલ્લા શિક્ષણાધિકારી, વલસાડ ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના માર્ગદર્શન હેઠળ, અત્રેની કચેરીના શિક્ષણ નિરીક્ષક શ્રી જી.એફ. લુહાર દ્વારા, ભારત ન્યાય સંહિતા, ૨૦૨૩ની નીચે મુજબની કલમો: ૩૧૮(૪), ૩૩૬(૨)(૩), ૩૩૮, ૩૪૦(૨), કલમ ૫૪ હેતુસર નાનાપોંઢા પોલીસ સ્ટેશન, તાલુકો કપરાડા, જીલ્લો વલસાડ ખાતે એફ.આઇ.આર નં: ૧૧૨૦૦૦૫૦૨૫૧૦૬૬ નોંધાવવામાં આવી છે. જેથી સદર સંસ્થામાં ધોરણ: ૯ અને ૧૦ માં કોઇપણ વાલીઓએ પોતાના બાળકોનો પ્રવેશ કરાવવો નહિ.

આ કાયદેસર કાર્યવાહીનો મુખ્ય હેતુ વાલીઓ તથા વિદ્યાર્થીઓના હિતોની રક્ષા કરવાનો છે અને શૈક્ષણિક વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવી છે. આમ, જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે તેઓ બાળકોના પ્રવેશ પહેલા શાળાની માન્યતા અવશ્ય ચકાસે અને જો કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી કે નજીકના પોલીસ મથકે જાણ કરવા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!