તા.૫/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
ઘાયલ વિદ્યાર્થીઓને ફાયર વિભાગની ટીમોએ રેસ્ક્યુ કરી એમ્બ્યુલન્સમાં સ્થળ પર સારવાર આપી નજીકની હોસ્પિટલે ખસેડ્યા
Rajkot: આત્મીય કોલેજ ખાતે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓનું લેક્ચર ચાલુ હતું તેવા સમયે અચાનક ભૂકંપના આચકા આવતા કોલેજ ખાતેની વોર્નિંગ એલાર્મ ગુંજી ઉઠી હતી. આ સાથે વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ક્લાસરૂમના પ્રાધ્યાપકે સમય સૂચકતા વાપરી વિદ્યાર્થીઓને સલામત સ્થળે જવા માટે તુરત જ સૂચના આપી હતી. અને કોલેજ દ્વારા ઇમરજન્સી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા નજીકના સ્થળેથી ફાયર વિભાગની ટીમો સ્થળ પર રવાના થઈ ચૂકી.
આત્મીય કોલેજ કેમ્પસ ફાયર વિભાગના બંબાઓ, એમ્બ્યુલન્સની સાયરનથી ગુંજી ઉઠ્યું હતું. ફાયર વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ સાધનો, સ્ટ્રેચર લઈને જે જગ્યાએ સૌથી વધુ અસર થઈ હતી તેવા ક્લાસરૂમ સુધી પહોંચી. કોલેજના એન.સી.સી.ના કેડેટસ દ્વારા તેઓને ગાઈડ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગના રેસ્ક્યુના જવાનોએ ઘાયલ લોકોને તુરત જ સ્ટ્રેચરમાં અને ખંભા ઉપર ઉઠાવી સલામત સ્થળે લઈ જઈ એમ્બ્યુલન્સમાં જરૂરી પ્રાથમિક સારવાર પૂરી પાડી હતી.
જ્યારે અન્ય ટીમો દ્વારા રેસ્ક્યુના સ્પેડર, કટર, રેમજેક, ન્યૂમેટીક જેક, એર બેગ સહિતના સાધનો વડે અસરગ્રસ્ત રૂમમાં પહોંચી બાંકડા તેમજ દિવાલ નીચે દબાયેલા ઘાયલ વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી તેઓને તુરંત જ વધુ સારવાર અર્થે હોસ્પિટલે પહોંચાડ્યા હતા.
જિલ્લા વહીવટી તંત્ર વતી મામલતદાર શ્રી રુદ્ર ગઢવી, સર્કલ ઓફિસર શ્રી ઝાલા, તેમજ ડિઝાસ્ટર સેલના ડીપીઓ શ્રી ભરતભાઈ બારડ તેમજ કોર્પોરેશન ડિઝાસ્ટર સેલના પ્રોજેક્ટ ઓફિસર હસમુખભાઈ ભાસ્કરે ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર વિભાગના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાની આગેવાનીમાં સ્ટેશન ઓફિસર મુબારક જુણેજા, રોહિત વિગોરા, લિડિંગ ફાયર ઓફિસર વિનોદ મકવાણા સહિત ફાયર વિભાગના કર્મચારીઓ જોડાયા હતા
રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થતા મામલતદાર શ્રી રુદ્ર ગઢવીએ આ સમગ્ર ઘટનાને મોક ડ્રિલ હોવાનું જણાવતા ફાયર તેમજ ડિઝાસ્ટર સેલના અધિકારીઓ અને કર્મચારીઓ હાશકારો અનુભવ્યો હતો .
આ તકે મામલતદારશ્રીએ સૌને અભિનંદન પાઠવી આ મોક ડ્રીલ સફળ રહ્યાનું જણાવ્યું હતું . શ્રી ગઢવીએ જણાવ્યું હતું કે, કલેક્ટર શ્રી પ્રભવ જોશી દ્વારા આ પ્રકારની કુદરતી આફતો અંગે સમયાંતરે મોકડ્રીલ યોજવાનું આયોજનના ભાગરૂપે આજરોજ આત્મીય યુનિવર્સિટી ખાતે ભૂકંપ અંગેની મોક ડ્રીલ યોજાઇ હતી આ તકે તેમણે આત્મીય કોલેજના સંચાલક, પ્રાધ્યાપક અને સ્ટાફગણનો સહકાર બદલ આભાર માન્યો હતો .