Rajkot; “૨૧મી ફેબ્રુઆરી: આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ” માતૃભાષા ગુજરાતીના જતન-સંવર્ધનમાં ‘ભગવદ્ગોમંડળ’ અને ‘ગુજરાતીલેક્સિકોન’નું અતુલનીય પ્રદાન

તા.૨૦/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખનઃ સંદીપ કાનાણી,
માતૃભાષા દિવસની આ વર્ષની થીમ છે: ‘‘બહુભાષીય અભ્યાસમાં યુવાનોનો અવાજ’’
‘ભગવદ્ગોમંડળ’ અને ‘સાર્થ જોડણીકોશ’ની મોબાઈલ એપ પણ આજે ઉપલબ્ધ
Rajkot: ૨૧મી ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. આ વર્ષે યુનેસ્કો દ્વારા ‘‘બહુભાષીય અભ્યાસમાં યુવાનોનો અવાજ’’ થીમ નક્કી કરવામાં આવી છે. આ થીમ ભાષાકીય વિવિધતાને ટકાવી રાખવા માટે યુવાનોના પ્રદાન અને ટેક્નોલોજીના ઉપયોગ પર ભાર મૂકે છે.
માતૃભાષા ગુજરાતીના સંવર્ધન અને વ્યાપ માટે ટેક્નોલોજીના ઉપયોગની વાત કરીએ તો, ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ તૈયાર કરાવેલા ‘ભગવદ્ગોમંડળ’ અને રતિલાલ ચંદરિયાએ તૈયાર કરાવેલી ‘ગુજરાતીલેક્સિકોન’ (વેબસાઈટ)નું પ્રદાન અતુલનીય છે. ‘ભગવદ્ગોમંડળ’ દ્વારા જ્ઞાનનો જે પાયો નંખાયો હતો, તેને ‘ગુજરાતીલેક્સિકોન’એ ડિજિટલ પ્લેટફોર્મ પર સર્વસુલભ બનાવ્યો છે.
ગોંડલના સ્વપ્નદ્રષ્ટા મહારાજા ભગવતસિંહજીનો જન્મ ૧૮૬૫માં થયો હતો. મહારાજાને શબ્દકોશનો મૂળ વિચાર ૧૮૮૩ના યુરોપ-પ્રવાસ તથા અભ્યાસ દરમિયાન સ્ફુર્યો. સ્વદેશ આવીને તેમણે ૧૯૧૫માં જાતે જ શબ્દસંચયનું કામ ઉપાડ્યું. શબ્દકોશ તૈયાર કરવાની તેમની ઘેલછા જોઈને લોકો તેમને ‘કોશઘેલા’ કહેતા.
પ્રચલિત શબ્દો ઉપરાંત, વીસરાયેલા કે વીસરાતા, ઘરગથ્થુ, ગામઠી, તળપદા, લોકબોલીના તેમજ ભાગ્યે જ સાંભળવા મળતા અપ્રચલિત શબ્દો મેળવવા મહારાજા તત્પર-સતર્ક રહેતા અને કોઈ હાથવગું સાધન ન હોય ત્યારે અંગરખાની ચાળ (કફ), હથેળી, રદ્દી કાગળના ટુકડા, તારીખિયાં, જાહેરાતના કાગળ કે દીવાસળીનાં ખોખાં પર પણ તેઓ સાંભળેલા શબ્દોને ટપકાવી લેતા. આ રીતે જહેમતપૂર્વક એકત્રિત થયેલા ૨૦ હજાર શબ્દો સાથે વિધિસર કોશ-સંપાદન શરૂ થયું.
તેમણે કોર્ટ, કચેરી અને પત્રવ્યવહારમાં અંગ્રેજીને બદલે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવા આદેશ કર્યો હતો. તેમણે વેબસ્ટર અને ઓક્સફોર્ડ જેવા વિશ્વવિખ્યાત કોશોની પદ્ધતિ અપનાવીને તળપદા શબ્દો, વિજ્ઞાન, કળા અને જ્ઞાનની તમામ શાખાઓને એક છત નીચે લાવી દીધી. આ રીતે ‘ભગવદ્ગોમંડળ’ તૈયાર થતો રહ્યો.
૧ ઓક્ટોબર ૧૯૨૮ના રોજ કોશ-કચેરીની વિધિસર સ્થાપના થઈ. ૧૦મા વર્ષે ૧૯૩૮માં પ્રથમ ભાગનું પ્રકાશન થયા પછી, ૧૯૪૪માં ભાગ-૨, ૧૯૪૬માં (મહારાજાના અવસાન પછી) ભાગ-૩, ૧૯૪૮માં ભાગ-૪, ૧૯૪૯માં ભાગ-૫, ૧૯૫૧માં ભાગ-૬, ૧૯૫૩માં ભાગ-૭ તથા ભાગ-૮ અને ૧૯૫૪માં છેલ્લો ભાગ-૯ એમ દોઢ દાયકા દરમિયાન જુદા જુદા સમયગાળે તેના ખંડો પ્રગટ થયા.
‘ભગવદ્ગોમંડળ’ માત્ર શબ્દકોશ નહીં, પણ શક્તિશાળી વિશ્વકોશ (Encyclopedia) છે. તેના નવ ગ્રંથોમાં કુલ ૯,૨૭૦ પાનામાં ૨,૮૧,૩૭૭ શબ્દો અને ૮,૨૧,૮૩૨ અર્થો, ૨૮,૧૫૬ રૂઢિપ્રયોગોનો સમાવેશ કરાયો છે. તેનું વજન આશરે ૨૫.૪૦ કિલોગ્રામ (૫૬ પાઉન્ડ) જેટલું થાય છે. જે-તે સમયે આ ગ્રંથ પાછળ પાંચ લાખ રૂપિયા ખર્ચાયા હતા. તેની પડતર કિંમત રૂ. ૫૪૫ હોવા છતાં મહારાજાએ સામાન્ય જનતા માટે તે માત્ર ૧૪૬ રૂપિયામાં ઉપલબ્ધ કરાવ્યો હતો.
મહારાજા ભગવતસિંહજીએ માતૃભાષા માટે જે ભગીરથ કાર્ય કર્યું હતું, તેને રતિલાલ ચંદરિયાની ‘ગુજરાતીલેક્સિકોન’ (GujaratiLexicon) ટીમે ૨૧મી સદીની ટેક્નોલોજી સાથે જોડીને સર્વસુલભ કરાવ્યું છે.
રતિલાલ ચંદરિયાએ ૧૯૭૫માં ડિજિટલ શબ્દકોશ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાના શબ્દોના સંગ્રહનું યોગદાન આપ્યું અને એક શબ્દકોશ (લેક્સિકોન) બનાવવાની શરૂઆત કરી. જ્યારે ૧૯૮૬માં ‘ભગવદ્ગોમંડળ’નું પુનઃમુદ્રણ થયું, ત્યારે તેમણે તેના કેટલાક સેટ ખરીદી લીધા. તેમણે પોતાના જીવનકાળમાં જ ‘ભગવદ્ગોમંડળ’ને ડિજિટાઈઝ કરવાનો નિર્ણય લીધો.
દરમિયાન બે દાયકાથી વધુના ભગીરથ પ્રયાસો પછી શ્રી રતિલાલજીની ‘ગુજરાતીલેક્સિકોન’ (GujaratiLexicon) વેબસાઈટ લોન્ચ થઈ. વિશાળ શબ્દસંગ્રહ ધરાવતો દુનિયાનો આ સૌ પ્રથમ ડિજિટલ ગુજરાતી શબ્દકોશ હતો. આ સાઈટે ગુજરાતી પ્રેમીઓનું ધ્યાન ખેંચ્યું અને તેને દેશ-વિદેશના ખૂણેખૂણેથી ટેકો મળ્યો.
આ સાથે તેમણે ‘ભગવદ્ગોમંડળ’ તથા ‘સાર્થ જોડણીકોશ’ને ડિજિટાઈઝ કરવાનું શરૂ કર્યું, જેથી વિશ્વના કોઈપણ ખૂણે વસતી દરેક વ્યક્તિ જ્ઞાનના આ ખજાનાનો ઉપયોગ કરી શકે, તેની સમૃદ્ધિને સમજી શકે અને રોજિંદા જીવનમાં સરળતાથી તેનો ઉપયોગ કરી શકે.
રતિલાલજીએ ૮૭ વર્ષની વયે ‘ભગવદ્ગોમંડળ’ને ડિજિટાઈઝ કરીને તેને ઈન્ટરનેટ અને સીડી પર મફત ઉપલબ્ધ કરાવ્યો. એ પછી ગુજરાતીલેક્સિકોન દ્વારા ‘લોકકોશ’ (Lok Kosh) નામનો એક ક્રાંતિકારી પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. લોકકોશ એ ‘ક્રાઉડ-સોર્સ્ડ’ ડિક્શનરી છે, જેનો અર્થ છે કે સામાન્ય લોકો, ખાસ કરીને યુવાનો, પોતે નવા પ્રચલિત શબ્દો, તળપદી બોલીના શબ્દો કે આધુનિક યુગના નવા શબ્દો તેમાં ઉમેરી શકે છે. લોકકોશના માધ્યમથી નવી પેઢીના શબ્દો અને રૂઢિપ્રયોગો મુખ્ય પ્રવાહમાં સ્થાન પામી રહ્યા છે, જે ‘ભગવદ્ગોમંડળ’ના વારસાને જીવંત રાખવાનું કામ કરે છે.
આજે ‘ભગવદ્ગોમંડળ’ અને ‘સાર્થ જોડણીકોશ’ની મોબાઈલ એપ પણ ઉપલબ્ધ છે અને ગુજરાતીલેક્સિકોન વેબસાઈટ તો હવે માત્ર શબ્દકોશ પૂરતી મર્યાદિત ન રહેતા, જ્ઞાનના ખજાના સમાન બની ગઈ છે.





