તા.૨૦/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ વાઈટલ ઈન્સ્ટોલેશન, વી.વી.આઇ.પી. રહેણાંક તેમજ અગત્યની સરકારી કચેરીઓ તથા પ્રતિબંધિત એરિયાની સુરક્ષા અર્થે રાજકોટના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે.ખાચરે રાજકોટ જિલ્લાની નિયત સરકારી કચેરીઓ/સબ સ્ટેશનો, મંદિર, મસ્જિદ, બજાર, ડેમ/ડેમ સાઈટ, પુલ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા જુદા જુદા વિસ્તારમાં ૧૦૮ જેટલા સ્થળોએ “નો ડ્રોન ઝોન” જાહેર કરી રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલ ડ્રોન કે રીમોટ કંટ્રોલ સંચાલીત એરીયલ મીસાઇલ, હેલીકોપ્ટર, રીમોટ કંટ્રોલ સંચાલીત માઇક્રોલાઇટ, એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સંસાધનોનાં ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સરકારી વિભાગો, પોલીસ વિભાગ અને સુરક્ષાબળોના ઉપરોક્ત સંસાધનોને આ આદેશો લાગુ પડશે નહીં. જુદા જુદા કારણોસર ડ્રોનથી શુટિંગ કરતી વેળાએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે તેઓ દ્વારા અધિકૃત પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી નીચેની રેન્કનાં ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીની પરવાનગી લેવાની રહેશે. આ પ્રતિબંધાત્મક આદેશોનો અમલ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં તમામ વિસ્તારમા તા.૩૧.૧૨.૨૦૨૩ સુધી કરવાનો રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.