તા.૨૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ નો લોકકલાને ઉત્તેજન આપવાનો સરહનીય અભિગમ
Rajkot: દેશભરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીએ જિલ્લાના વિવધ તાલુકાઓના ડાયરા, પપેટ શોના કાર્યક્રમો યોજ્યા હતાં. જેમાં ગામડાઓ સ્વચ્છ અને સુઘડ બને તે માટે પરંપરાગત માધ્યમો થકી મનોરંજન સાથે સ્વચ્છતા જાગૃતિ અંગેનો સંદેશ ગ્રામ્ય જનતાને આપવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ગ્રામ્ય સંસ્કૃતિ, લોકકલા અને સાહિત્યને આગળ ધપાવવા તેમજ કલાને જીવંત રાખવાના હેતુથી લોક-ડાયરા, પપેટ શો યોજવામાં આવે છે. આ કાર્યક્રમોથી કલાકારો લોકગીતો, ભજનના મનોરંજન સાથે રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓ અને વિકાસ કાર્યક્રમોની જાણકારી તેમજ સામાજિક પ્રગતિના સંદેશાઓ ગામેગામ પહોચાડે છે. ભાતીગળ બોલી, લહેકા, દુહા અને છંદથી શિક્ષણનું મહત્વ, મહિલા અને બાળ વિકાસ, આરોગ્ય વિષયક જાગૃતિ, જળસંરક્ષણ, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિની ઉત્કર્ષ યોજનાઓ જેવી ગુજરાત રાજયની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓનો પ્રચાર-પ્રસાર આ કાર્યક્રમો દ્વારા કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ કાર્યક્રમોના આયોજનો થકી કલાકારોને તેમની કલા રજુ કરવાનું પ્લેટફોર્મ મળે છે અને કલાકારોને નિયત પુરસ્કાર પણ આપવામાં આવે છે.
તા.૨૫ અને ૨૬ ઓક્ટોબરના રોજ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન નિમિત્તે રાજકોટ જિલ્લાના ગામોમાં વિવિધ કલાકારો દ્વારા ડાયરા તેમજ પપેટ શોની રજુઆત કરવામાં આવી હતી. રાજકોટ તાલુકાના ઢાંઢણી, અણીયારી, ખીજડીયા અને લાખાપર ગામ, ગોંડલ તાલુકાના ગુંદાસરા સહિતના ગામોમાં લોકડાયરા અને કઠપૂતળીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં ગામના પદાધિકારિઓ,આગેવાનો અને ગ્રામજનોએ ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો.