GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ જિલ્લાની ૧૩ નર્સરીઓમાં ૧૮ લાખ રોપાઓના વિતરણનો પ્રારંભ

તા.૧૦/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વન વિભાગની હરિયાળી કામગીરી – ત્રણ વર્ષમાં રાજકોટ જિલ્લામાં ૫૪ લાખથી વધુ રોપાઓનો ઉછેર-સહ-વિતરણ

નર્સરીમાં ફૂલછોડ, ફળાઉ, ઔષધિ, સુશોભન અને છાંયડો આપતાં રોપા ઉપલબ્ધ

Rajkot: ચોમાસુ હવે ઢૂકડું છે ત્યારે વરસાદના આગમન સાથે ચોતરફ હરિયાળી છવાઈ જશે. આપણી આસપાસના વાતાવરણને વધુ ઘેઘુર અને હરિયાળું બનાવવા વન વિભાગ દ્વારા નર્સરીઓમાં લાખોની સંખ્યામાં રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ રાજ્યને હરિયાળું બનાવવા પ્રતિ વર્ષ નર્સરીઓમાં રોપા ઉછેરની કામગીરી ચોક્કસ લક્ષ્યાંક સાથે કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં કાર્યાન્વિત નર્સરીઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં ખેડુતોને ઉપયોગી વૃક્ષો, ઔષધીય ગુણ, સુશોભન, ફળ-ફુલ, જુદા જુદા કિંમતી ઝાડ વગેરેના મળીને કુલ ૫૪ લાખ જેટલા રોપાઓ તૈયાર કરવામાં છે. જેનું ચોમાસાના પ્રારંભે નહિવત કિંમતે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી તુષાર પટેલે આ અંગેની માહિતી આપતા જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૮,૦૭૦૦૦, ર૦૨૩-૨૪ માં ૧૭,૮૨૦૦૦ તેમજ ૨૦૨૪ -૨૫ માં આ વર્ષે ૧૮,૨૨૦૦૦ નાં લક્ષ્યાંક સાથે રોપાઓ ઉછેરવામાં આવ્યાં છે. જેનું ૭૫ માં ખાતાકીય વન મહોત્સવ હેઠળ ચોમાસાના પ્રારંભે વિતરણ શરુ કરવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં રાજકોટ સ્થિત રાંદરડા નર્સરી ખાતે ૧,૬૨૦૦૦ , મૂંજકા નર્સરી ખાતે ૧,૧૧૦૦૦, કણકોટ નર્સરી ખાતે ૪૦,૦૦૦, લોધિકા તાલુકામાં વાવડી નર્સરી ખાતે ૧૬૯૮૦૦, દેવગામ નર્સરી ખાતે ૧,૧૩,૨૦૦, પડધરી તાલુકામાં નારણકા નર્સરી ખાતે ૧,૯૧,૦૦૦, જસદણ તાલુકામાં વિવેકાનંદ નર્સરી ખાતે ૧,૮૧,૦૦૦, ગોંડલ તાલુકમાં આશાપુરા નર્સરી ખાતે ૨,૨૧,૦૦૦, જેતપુર તાલુકામા મેવાસા નર્સરી ખાતે ૭૦૦૦૦, પુનિત નર્સરી ખાતે ૯૬૦૦૦, ધોરાજી તાલુકામાં ભોળા નર્સરી ખાતે ૧,૭૧૦૦૦, જામકંડોરણા તાલુકાના દુધીવદર નર્સરી ખાતે ૧,૨૫૦૦૦, ઉપલેટા તાલુકામાં મોજ ડેમ નર્સરીમાં ૧,૭૧૦૦૦ રોપાઓ ઉછેરવામાં આવી રહ્યા છે.

 

ફૂલછોડ, ફળાઉ, ઔષધિ, સુશોભન અને છાંયડો આપતાં રોપા

નર્સરી ખાતેથી ઉછેરવામાં આવેલ રોપાઓમાં ખેડુતોને ઉપયોગી વૃક્ષોની જાતો જેવી કે વાંસ, સરગવો, લીંબુ, દાડમ, સીતાફળ, જાંબુ, ઉપરાંત સુશોભિત અને છાંયો આપતા રોપા પણ પ્રાપ્ત થઇ શકશે. આ ઉપરાંત આયુર્વેદિક ઉપયોગિતા ધરાવતી વનસ્પતિના રોપ જેવા કે હરડે, બહેડા, આંબળા, અરડુસી, અશ્વગંધા, ગુગળ, વિકળો તથા મીઠી આવળના રોપ પણ પ્રાપ્ત થઇ શકશે. સુશોભનની જાતો જેવી કે, ઉભા આસોપાલવ, ગુલમ્હોર, ગરમાળો, કરંજ, પેલ્ટફોરમ વગેરે ઉપરાંત ઘટાદાર છાંયો આપે તેવા વૃક્ષો જેવા કે, વડ, પીપર, ઉમરો, લીમડો વગેરેના રોપા પણ પ્રાપ્ત થઇ શકશે.

રોપાનું રાહતદરે વિતરણ

રોપાઓની કિંમત તેની પોલીથીનની બેગ ની સાઈઝ મુજબ હોય છે. ૧૦ સે..મી. x ૨૦ નાની બેગ ના રૂ ૨, ૧૫ સે.મી.x ૧૫ સે.મી. ના રૂ. ૪, ૨૦ સે..મી. x ૩૦ સે..મી. ની બેગના રૂ. ૭.૫૦ અને ૩૦ સે..મી. x ૪૦ સે..મી. ની બેગના માત્ર ૧૫ રૂ. છાયડો આપતાં મોટા વૃક્ષના રોપાઓ કે જેની ઉંચાઈ ૭ થી ૮ ફૂટ હોય છે તેના ૧૦૦ રૂ., શાળાને ૧૦૦ રોપાઓ અને ગ્રામપંચાયતને ૫૦૦ રોપા નિ:શુલ્ક!

વનીકરણ યોજનાઓ

ખેડૂતો માટે વૃક્ષ ખેતી યોજના, એગ્રો ફોરેસ્ટ્રી યોજના, ફાર્મ ફોરેસ્ટ્રી યોજના, વિકેન્દ્રિત પ્રજા નર્સરી યોજનામાં સામેલ થઈ ખેતર અથવા શેઢામાં વૃક્ષારોપણ કરી આર્થિક લાભ મેળવી શકાય છે. વન વિભાગ દ્વારા સ્ટ્રીટ પ્લાન્ટેશન, ગ્રામ વાટિકા જેવી બહુઆયામી યોજના પણ અમલમાં છે. યોજનાકીય વધુ વિગત માટે રેંજ ફોરેસ્ટ વિભાગનો સંપર્ક કરવા નાયબ વન સંરક્ષક શ્રી તુષાર પટેલે જણાવ્યું છે.

વન વિભાગની પહેલને વધાવી માત્ર રોપાનું વાવેતર નહી પરંતુ તેનું જતન કરવું અને તે પુખ્ત ન બને ત્યાં સુધી તેની પરિવારના સભ્ય માફક સંભાળ લઈ પૃથ્વીને ગ્લોબલ વોર્મિગથી સુરક્ષિત કરીએ…

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!