GUJARATJETPURRAJKOT

Rajkot: જેતપુર-લોધિકા-રાજકોટમાં ઓછા મતદાનવાળા વિસ્તારોમાં વિશેષ મતદાન જાગૃતિ ઝુંબેશ હાથ ધરાઈ

તા.૨/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

વિદ્યાર્થીઓને સાથે રાખી રેલી યોજાઈ, ગામલોકોને મતાધિકારનું મહત્વ સમજાવાયું

તલાટીઓને આંગણવાડીની બહેનો સાથે વ્યાપક મતદાન જાગૃતિ ઝુંબેશની સૂચના

રાજકોટ દક્ષિણમાં ફરતી લાઈબ્રેરી દ્વારા મતદાન જાગૃતિ માટે પેમ્ફલેટ વિતરણ

Rajkot: લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે. આ સાથે ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હતું તેવા લો વોટર ટર્નઆઉટ વાળા વિસ્તારોમાં મતદાન વધારવા માટે વિશેષ ઝુંબેશ ચલાવાઈ રહી છે.

જે અંતર્ગત, આજે ૭૪- જેતપુર (જામકંડોરણા) વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ બરડીયા ગામમાં ઓછું મતદાન થતું હોય તેવા વિસ્તારોમાં હાઇસ્કૂલના વિદ્યાર્થીઓ તથા ગામલોકોને સાથે રાખીને મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદાર શ્રી કે.બી.સાંગાણીએ નાગરિકોને લોકશાહીમાં મતદાનનું મહત્વ સમજાવ્યું હતું. આ તકે વિદ્યાર્થીઓ તથા ગામ લોકોને સાથે રાખીને મતદાન માટે પ્રેરિત કરતા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી. જેનાથી ગામમાં મતદાન અંગે ઉત્સાહનો માહોલ બન્યો હતો.

જ્યારે લોધિકા તાલુકામાં લો વોટર ટર્ન આઉટ વિસ્તારોમાં મતદાન વધારવા તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં વિવિધ ગામના તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, સી.ડી.એચ.ઓ.અને તાલુકા આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગામની મહિલાઓને મતદાન પ્રત્યે જાગૃત કરવા કાર્યક્રમનું આયોજન કરી જાણ કરવા, તલાટી કમ મંત્રીઓને સૂચના આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આશાવર્કર બહેનો, આંગણવાડીના સંચાલકશ્રીઓ અને બી.એલ.ઓ.ના સંકલનમાં રહીને કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી.

ઉપરાંત ૭૪- જેતપુર વિધાનસભા મત વિસ્તારમાં, ઉમરાળી કુમાર તથા કન્યા પ્રાથમિક શાળા, તેમજ જેતપુર શાળા નંબર-૦૩, ૦૬, ૧૨, ૧૫, ૧૭ ઉપરાંત હરિપર પ્રાથમિક શાળા, અમરનગર કન્યા પ્રાથમિક શાળા વગેરે શાળાઓમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જ્યારે ૬૬ ટંકારા વિધાનસભા મત વિસ્તારના પડધરી તાલુકાના હડમતિયા તથા વણપરી ગામ ખાતે બાળ વિકાસ યોજના અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને આંગણવાડી કાર્યકરો, આંગણવાડી સુપરવાઈઝર સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ સાથે આગામી લોકસભા ચૂંટણીમાં અચૂક મતદાન કરવા અંગે શપથ લેવામાં આવ્યા હતા. ઉપરાંત કચેરીમાંથી કરવામાં આવતા-જાવકના કાગળો તથા તાલુકા કક્ષાએથી જનસેવા કેન્દ્ર તથા ઈ ધરા ખાતેથી આ૫વામાં આવતી સેવાઓના કાગળો ઉ૫ર મતદાન કરવાની અપીલ કરતા સ્ટેમ્પ લગાવાયા હતા.

૭૦-રાજકોટ દક્ષિણ વિધાનસભા મત વિસ્તારમાં આવેલા શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય- કરણપરા ચોક સંચાલિત ફરતી લાઇબ્રેરી વાન દ્વારા મતદારોને અચૂક મત આપવા માટે પ્રેરિત કરતા બેનર તથા પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

૭૧-રાજકોટ ગ્રામ્ય (અ.જા) મત વિસ્તારમાં, મદદનીશ મતદાર નોંધણી અધિકારી-કોટડાસાંગાણી દ્વારા ધરતી એગ્રો ઈન્ડસ્ટ્રીઝ, શાપર ખાતે SVEEP કાર્યક્રમનું આયોજન કરી વધારે લોકોને લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતદાન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

૬૯-રાજકોટ પશ્વિમ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર નોંધણી અધિકારી અને આસિ. કલેક્ટર સુશ્રી નિશાના રાજકોટ શહેર-૨ના અધ્યક્ષ સ્થાને રૈયાધાર વિસ્તારમાં આવેલી ડો. ઝાકીરહુસેન પ્રાથમિક શાળા નં-૯૧, રાજકોટ ખાતે “ચુનાવ પાઠશાલા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.૮ના છાત્રોએ “મતદાન અને તેનું મહત્વ” એ વિષય પર ચિત્રસ્પર્ધામાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. તમામ સ્પર્ધકોને ચિત્ર માટે જરૂરી રંગ, પેપર્સ સહિતની તમામ સામગ્રી ૬૯-રાજકોટ પશ્વિમ વિધાનસભા મતદાર વિભાગ તરફથી પૂરી પડાઈ હતી. ત્યારબાદ તમામ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે આસિ. કલેક્ટરશ્રી દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. છાત્રોએ પોતે સગા-સંબંધીઓને ચૂંટણીમાં મતદાન માટે અપીલ કરશે તે બાબતે પ્રતિજ્ઞા પણ લીધી હતી. જેમાં મામલતદારશ્રી રાજકોટ શહેર-પશ્વિમ મામલતદાર શ્રી એમ.ડી.શુક્લ, નાયબ મામલતદારશ્રી આર.ડી.જાડેજા વગેરે હાજર રહ્યા હતા. ઉપરાંત વિરાણી હાઈસ્કૂલ ખાતે પણ છાત્રોને પણ મતદાન જાગૃતિમાં સહભાગી બનાવવા પેમ્ફલેટ વિતરણ સહિતનો કાર્યક્રમ યોજાયો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!