તા.૨૧/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દ્વારા કુટુંબ નિયોજનની જાગૃતિના હેતુસર આયોજન
Rajkot: “સ્વસ્થ માતા, સ્વસ્થ બાળ, કુટુંબ નિયોજનમાં પતિનું યોગદાન”ના સૂત્ર સાથે રાજકોટ જિલ્લા પંચાયતની ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી દ્વારા પુરુષ નસબંધી પખવાડીયા-૨૦૨૩ની ઉજવણીનો આરંભ થઇ ચુક્યો છે. તા. ૨૧ નવેમ્બરથી તા. ૦૪ ડીસેમ્બર સુધી ચાલનાર પુરુષ નસબંધી પખવાડીયાનો મુખ્ય હેતુ જનતામાં કુટુંબ નિયોજનની જાગૃતિ ફેલાવવાનો છે.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પુરૂષ નસબંધી પખવાડીયા અંતર્ગત તા. ૨૧ નવેમ્બરથી તા. ૨૭ નવેમ્બર સુધી દંપતી સંપર્ક અઠવાડિયું તેમજ તા. ૨૮ નવેમ્બરથી તા. ૦૪ ડિસેમ્બર સુધી જન સંખ્યા અઠવાડિયું ઉજવવામાં આવશે. જેમાં પુરુષોમાં નસબંધી કરાવવાની સમજણ કેળવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ‘દિકરી યોજના’ અંતર્ગત એક દિકરીના જન્મ બાદ નસબંધી કરાવનારને રૂ. છ હજારનાં બચતપત્ર તથા બે દિકરીઓના જન્મ બાદ નસબંધી કરાવનારને રૂ. પાંચ હજારનાં બચતપત્રનો લાભ રાજયસરકાર દ્વારા આપવામાં આવે છે. તેમજ પુરૂષ નસબંધી કરાવનારને રૂ. બે હજાર મળવાપાત્ર છે. જિલ્લા કક્ષા તથા તાલુકા કક્ષાના સરકારી દવાખાનામાં આ ઓપરેશન નિ:શુલ્ક થાય છે, તેમ ડીસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની યાદીમાં જણાવાયું છે.