તા.૨૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના કોઈ પણ વ્યક્તિના પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય તે હેતુથી જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા શ્રી પ્રભવ જોશીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ૧૨ જેટલા અરજદારો દ્વારા જમીન માપણી, લેન્ડ ગ્રેબિન્ગ, નળ કનેકશન, કુટુંબ પેન્શન વગેરે જેવા વિવિધ પ્રશ્ને રજુઆત કરાઈ હતી. કલેક્ટરશ્રીએ જિલ્લાના નાગરિકોની અરજીઓને ધ્યાનપૂર્વક સાંભળીને અરજદારોની સમસ્યાનો સમયમર્યાદામાં નિરાકરણ લાવવા માટે સંબંધિત વિભાગને સૂચના આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે,સ્વાગત કાર્યક્રમ થકી પ્રજાના પ્રશ્નોનું સ્વાગત કરી સત્વરે નિવારણ લાવી લોકાભિમુખ અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી ઝડપી ત્વરિત અને પારદર્શક સેવા પૂરી પાડવા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ એક દીવાદાંડી રૂપ બનીને ઉભરી આવ્યો છે.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, નિવાસી અધિક કલેકટર શ્રી એસ.જે.ખાચર, પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ, ઝોન ૧ શહેરના પોલીસ અધિકારી શ્રી સજ્જનસિંહ પરમાર, રજીસ્ટ્રારશ્રી, પ્રાંત અધિકારીશ્રીઓ, મહાનગરપાલિકા, દફતર ભવન, પોલિસ વિભાગ, તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારો, ચીફ ઓફિસરો તથા અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.