Rajkot: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી ઉજવણી સંદર્ભે ૬૮-વિધાનસભા વિસ્તારમાં ભવ્ય પદયાત્રા યોજાશે

તા.14/11/2025
વાત્સલયમ્ સમાચાર
તા, ૧૮ મી એ યોજાનારી પદયાત્રાના આયોજન અંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી આશિષ ઝાપડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
Rajkot: સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરમાં વિધાનસભા વાઈઝ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૧૮ મી નવેમ્બરના રોજ સવારે ૮ કલાકે વિધાનસભા-૬૮ પૂર્વ વિસ્તારમાં યોજાનાર પદયાત્રાના આયોજન અંગે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી આશિષ ઝાપડાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.
જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ કાર્યક્રમ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સરદાર સભા, પદયાત્રા, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે.
પદયાત્રામાં શાળા-કોલેજના છાત્રો, સ્વૈચ્છિક, સામાજિક સંસ્થાઓ, એન.એસ.એસ., એન.સી.સી.ના કેડેટ્સ, વિવિધ સ્પોર્ટ્સના ખેલાડીઓ, યોગ બોર્ડના સભ્યો સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાશે તેમ શ્રી આશિષભાઈએ જણાવ્યું હતું.
પદયાત્રા જુના જકાતનાકાથી સેટેલાઈટ ચોક, બાલક હનુમાન, સંત કબીર રોડથી પટેલવાડી ખાતે આગળ વધશે. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ સ્વાગત અભિવાદન કરવામાં આવશે. દેશભક્તિના રંગે ડી.જે. સાઉન્ડ સાથે પદયાત્રિકો સાથે સુંદર વેશભૂષામાં સજ્જ બાળકો જોડાશે. આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો જમાવટ કરશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સરદાર ઉપવન ખાતે ૫૬૨ રોપાઓનું વૃક્ષારોપણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવશે. પદયાત્રીઓની સુરક્ષા માટે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક મેનેજમેન્ટ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવશે.
પદયાત્રા કાર્યર્કમ અન્વયે આયોજિત બેઠકમાં સંલગ્ન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



