Gondal: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પાટીદડમાં વિમલ રીસર્સ સોસાયટીના સંશોધન ભવનનું ઉદ્ઘાટન

તા.14/11/2025
વાત્સલયમ્ સમાચાર
ગુજરાતને દેશનું બાયો ટેક્નોલોજી હબ બનાવવા નવી પોલિસી લોન્ચ કરાઈ છે
ખેડૂતોના હિત માટે રૂ. ૧૦ હજાર કરોડના પેકેજ સાથે ગુજરાત સરકાર તેમની પડખે ઊભી છે
ગુજરાતમાં ટેક્નોલોજીના સથવારે કૃષિ વિકાસને સતત વેગ અપાઈ રહ્યો છે
Rajkot, Gondal: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગોંડલ તાલુકાના પાટીદડ ગામ ખાતે વિમલ રીસર્સ સોસાયટીના સંશોધન ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌને બાળદિનની શુભેચ્છાઓ પાઠવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. આ માટે તેમણે ગરીબ, અન્નદાતા કિસાન, યુવા અને નારીશક્તિને વિકસિત ભારતના નિર્માણ માટેના મજબૂત પાયા ગણાવ્યા છે. આ કાર્યક્રમ એમાંના એક સ્તંભ ખેડૂતના કલ્યાણને વેગ આપનારો છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના સેવાકાળમાં અન્નદાતાના હિતમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. બીજથી લઈને બજાર સુધી અનેક સુધારાઓએ ખેડૂતોને આર્થિક રીતે અનેક ગણા સમૃદ્ધ કર્યા છે.
તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૫માં શરૂ કરાવેલા કૃષિ મહોત્સવનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, આજે ખેડૂતો વૈજ્ઞાનિક ખેતી, ટપક સિંચાઈ પદ્ધતિ તરફ વળ્યા છે અને પાક ઉત્પાદન પણ વધ્યું છે. હવે ટેક્નોલોજીના સમન્વયથી કૃષિ વધુ ઉત્પાદનકારી બને અને ખેડૂતોની આવક વધે તેવા અભિગમ સાથે આપણે આગળ વધી રહ્યાં છીએ.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિને કેમિસ્ટ્રી લેબમાંથી બહાર લાવીને પ્રકૃતિની લેબ સાથે જોડવા લેબ ટુ લેન્ડનું આહવાન કર્યું છે. વડાપ્રધાનશ્રીના “વિરાસત ભી, ઔર વિકાસ ભી”ના સૂત્ર સાથે આપણે સંસ્કાર અને સંસ્કૃતિને સાથે રાખીને વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ.
મુખ્યમંત્રીશ્રીએ ખેડૂત હિતલક્ષી પ્રકલ્પ એવા વિમલ રીસર્ચ સોસાયટી સાથે સંકળાયેલા સૌને અભિનંદન પાઠવતાં ઉમેર્યું હતું કે, આજે પાટીદડમાં કાર્યરત થયેલા એગ્રો બાયોટેક રીસર્ચ સેન્ટર – સંશોધન ભવન – કૃષિ ક્ષેત્રે બાયોટેક્નોલોજીની સંભાવનાઓને પરિપૂર્ણ કરશે. ખેડૂતોના હિતની રક્ષા માટે સરકાર હંમેશા ખેડૂતોની પડખે ઊભી છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, તાજેતરમાં થયેલા અસાધારણ કમોસમી વરસાદમાં ખેતી પાકોના થયેલા વ્યાપક નુકસાનના વળતર પેટે ૧૦ હજાર કરોડથી વધુના પેકેજ સાથે ડબલ એન્જિનની સરકાર ખેડૂતો સાથે ઊભી છે. આજથી જ કૃષિ રાહત પેકેજના સહાયના ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ કૃષિ ક્ષેત્રમાં સંશોધનને વેગ આપવા અનેક પગલાં લીધાં છે. જે અન્વયે તાજેતરમાં પી.એમ. ધન ધાન્ય કૃષિ યોજના અને મિશન આત્મનિર્ભરતા ઈન પલ્સીસ લોન્ચ કરી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કિસાન કલ્યાણના આયોજનો સહિતના બજેટમાં પણ ઉત્તરોત્તર વધારો થયો છે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીએ ભારતમાં ડીપટેક અને બાયોટેક સ્ટાર્ટ અપ્સને પણ પ્રોત્સાહન આપ્યું છે. તેના પરિણામે આ સેક્ટરમાં ૨૦૧૪માં ફક્ત ૫૦ સ્ટાર્ટ અપ્સ હતા તે વધીને આજે ૯,૦૦૦ કરતા પણ વધુ થયા છે. કેન્દ્ર સરકારે શરૂ કરાવેલી ન્યુ બાયો ઇ-૩ પોલિસીથી બાયો-ફાઉન્ડ્રીઝને પણ પ્રોત્સાહન મળ્યું છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાતને દેશનું બાયોટેક હબ બનાવવાના ઉદ્દેશ્ય સાથે આપણે પણ બાયોટેકનોલોજી પોલિસી જાહેર કરી છે. બાયોટેકથી ખેડૂતોની આવક બમણી થશે, જમીનની ગુણવત્તા સુધરશે અને પર્યાવરણ પણ સુરક્ષિત રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત- ૨૦૪૭ના સંકલ્પમાં સસ્ટેઈનેબલ એગ્રિકલ્ચર ડેવલપમેન્ટને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આપણા રાજ્યમાં પણ ટેકનોલોજી આધારિત કૃષિ વિકાસને વેગ આપવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આપણા ખેડૂતો સ્વદેશી સંસાધનો અને ટેક્નોલોજી અપનાવીને કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવે, તે સમયની માંગ છે.
આ કાર્યક્રમના અધ્યક્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારિણી સદસ્ય શ્રી સુરેશજી સોનીએ વિજ્ઞાનની સાથે આધ્યાત્મિક વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભૌતિક વિકાસની સાથે મનુષ્યનો એક માનવ તરીકે વિકાસ થાય તે જરૂરી છે.
જ્યારે અતિથિ વિશેષ તરીકે ભારત સરકારના બાયો ટેક્નોલોજી વિભાગના સેક્રેટરી ડૉ. રાજેશ ગોખલેએ જણાવ્યું હતું કે, આ સંશોધન ભવન બાયોટેકનોલોજી રીસર્ચ ક્ષેત્રે સીમાચિન્હરૂપ બની રહેશે.
મુખ્યમંત્રીશ્રીએ સંશોધન ભવનનું ઉદઘાટન કરવા સાથે તકતીનું અનાવરણ કર્યું હતું. બાદમાં સમગ્ર ભવનનું નિરીક્ષણ કર્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી વિક્રાંત પાંડે, જિલ્લા કલેકટરશ્રી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા શ્રી વિજયસિંહ ગુર્જર, શિક્ષણ તેમજ સામાજિક સેવા ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.









