તા.૨૧ જાન્યુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો.
વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકીઓ આપતા હતા.
જેતપુર શહેરમાં બિલાડીના ટોપ જેમ વ્યાજખોરોનો રાફડો ફાટી નીકળ્યો છે, જેના કારણે અનેક જિંદગીઓ હોમાઈ ગઈ છે. વ્યાજખોરોનો આતંક એટલો બધો હોય છે કે લોકોએ આપઘાત કરવો પડે છે અથવા તો પરિવારથી દૂર નાસી જવું પડે છે. ખાસ કરીને શહેરના અનેક વિસ્તારમાં વ્યાજખોરોનો આતંક જોવા મળ્યો છે, ત્યારે બે દિવસ પહેલા એક જીમ ટ્રેનર યુવકે મોતને વહાલું કર્યું હતું ત્યારે શહેરમાં ફરી ચક્રવૃધ્ધિ વ્યાજના ચક્કરમાં ફસાયેલા યુવાને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
બનાવ મુજબ જેતપુરના શહેરના હજી દાઉદ હોસ્પિટલ પાસે રહેતા કપડવંજિ બશીર બોદલભાઈ ઉ.વ.42 નામના યુવકે કોઇ ધંધાર્થે કે કામ અર્થે વ્યાજે રૂપિયા આપતા ઇસમો પાસેથી પંદર થી વીસ ટકા લેખે ત્રણ લાખ રૂપિયાની રકમ વ્યાજે લીધી હતી અને વ્યાજે લીધેલ રકમનું વ્યાજનું વ્યાજ નવ લાખ પણ ચૂકવી આપ્યા હોઈ પરંતુ છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીને લઇ આ વાતની પરીવારજનોને થતાં પોતાના કુટુંબની માનમર્યાદા બચાવવા વ્યાજખોરોના ત્રાસથી અને તેમની પઠાણી ઉઘરાણીથી કંટાળી આખરે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેની હાલત ગંભીર થઇ છે. હાલમાં યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને ભોગ બનનાર યુવાને પોતાના નિવેદનમાં જેતપુરના બે વ્યાજખોરોના નામ મૂનો સિસોદિયા અને અલ્તાફ ઉર્ફે બબલો સુથારના નામ જાહેર કર્યા આ બાબતે શહેર પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પરંતુ હાલમાં યુવાન ભાનમાં ન હોઈ જણવાજોગ ફરિયાદ લઈ આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસસૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
જેતપુરમાં દિવસેને દિવસે નાનો ધંધો કરતા લોકો પાસેથી 15 ટકાથી 20 ટકા સુધીનું ઊંચું વ્યાજ લઈ વ્યાજખોરો તેમનું લોહી ચૂસી રહ્યા છે. પોલીસ એક્શન મોડ પર આવી ગઇ છે, પરંતુ ડેઇલી કલેક્શનના નામે વ્યાજનો કાળો કારોબાર કરતા લોકો પર હજુ સુધી તવાઈ આવી નથી.