RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા રાજકોટ–બરોડા વચ્ચે ૨ અને રાજકોટ–ભુજ રૂટ પર ૩ નવી વોલ્વો બસના પ્રારંભથી મુસાફરોની સુવિધામાં વધારો

તા.૯/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

મેયર શ્રી નેહલભાઈ શુકલએ લીલી ઝંડી દેખાડી નવીન વોલ્વો બસને પ્રસ્થાન કરાવ્યું

Rajkot; ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરને આરામદાયક, સુરક્ષિત અને ઉચ્ચ કક્ષાની આધુનિક પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે પ્રીમિયમ વોલ્વો અને એ.સી. બસ સેવાના રૂટ તબક્કાવાર વધારવામાં આવી રહ્યા છે.

જેના ભાગરૂપે રાજકોટ એસ.ટી. વિભાગને ફાળવાયેલી વધુ પાંચ નવીન વોલ્વો બસને મેયર શ્રી નેહલભાઈ શુકલએ લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવ્યું હતું. કુલ પાંચ વોલ્વો બસ પૈકી બે બસ રાજકોટ – બરોડા રૂટ પર અને ત્રણ વોલ્વો બસ રાજકોટ – ભુજ રૂટ પર શરુ થતા મુસાફરોની સુવિધામાં વધારો કરશે.

આ નવીન વોલ્વો બસનો ‘ફ્લેગ ઓફ’ કાર્યક્રમ આજરોજ એસ.ટી. બસપોર્ટ, ઢેબર રોડ, રાજકોટ ખાતે મેયરશ્રી તેમજ એસ.ટી. વિભાગના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. રાજકોટ મહાનગરપાલિકાના મેયરશ્રી નેહલભાઈ શુકલએ બસને કુમકુમ તિલક કરી, શ્રીફળ વધેરી બસને પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે મેયરશ્રીએ બસમાં બેસી વોલ્વો બસની સુવિધાઓનો સ્વાનુભવ કર્યો હતો.

આ પ્રસંગે વિભાગીય નિયામક શ્રી એમ.પી.રાજ તેમજ વોલ્વો બસ મેનેજર શ્રી એન.વી.ઠુંમર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આજથી શરુ કરાયેલી નવીન વોલ્વો બસ રૂટનું સમયપત્રક અને ભાડુ આ પ્રારંભ થયેલી પાંચ બસ પૈકી રાજકોટ-બરોડા રૂટ પર દરરોજ બે બસ દોડશે, જેમાં પ્રથમ બસ રાજકોટથી સવારે ૦૮ કલાકે ઉપડી બપોરે ૦૨ કલાકે બરોડા પહોંચશે અને બીજી બસ રાજકોટથી સવારે ૧૧ કલાકે ઉપડી સાંજે ૦૫ કલાકે બરોડા પહોંચશે, જેનું ભાડુ રૂપિયા ૮૦૩/- નિયત કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ-ભુજ રૂટ પર દરરોજ ત્રણ બસનું સંચાલન કરાશે, જેમાં પ્રથમ બસ રાજકોટથી સવારે ૦૬:૧૫ કલાકે ઉપડી ૧૧:૪૫ કલાકે, બીજી બસ સવારે ૧૧:૩૦ કલાકે ઉપડી સાંજે ૦૫ કલાકે અને ત્રીજી બસ સાંજે ૦૪ કલાકે ઉપડી રાત્રે ૦૯:૩૦ કલાકે ભુજ પહોંચશે, જે તમામ બસનું ભાડુ રૂપિયા ૭૧૫ રાખવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!