RAJKOT

“રામ રાખે તેને કોણ ચાખે” કહેવતને સાર્થક કરી કાગદડી ગામની સીમમાં મળેલ નવજાત શિશુની વ્હારે રાજકોટ ૧૦૮ની ટીમ

તા.૧૮/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

નાગરિકોને આકસ્મિક સંકટ સમયે પરીજનની પહેલા ૧૦૮ નંબર યાદ આવે છે. રાજ્ય સરકારની ૧૦૮ સેવા કટોકટીની દરેક ક્ષણે લોકોની સેવા માટે તત્પર અને કટિબદ્ધ બની નાગરીકોને નવજીવન બક્ષી જીવન રક્ષક બની છે ત્યારે રાજકોટ તાલુકાના કાગદડી ગામની સીમમાંથી મળી આવેલા નવજાત શિશુની વ્હારે ૧૦૮ની સેવા આવી હતી.

પ્રોગ્રામ મેનેજરશ્રી ચેતન ગાધેનાં જણાવ્યાનુસાર, વરસાદી માહોલમાં વાડી વિસ્તારમાંથી પસાર થતા જાગૃત નાગરિકને ઝાડી ઝાંખરા વચ્ચે બાળકનો રડવાનો અવાજ સંભળાતા નવજાત શિશુ ત્યજી દેવાયેલું જણાતા ગામના સરપંચશ્રી પ્રદીપભાઈ ચાવડાને તથા ૧૦૮ ને જાણ કરેલી. સમયબદ્ધ ૧૦૮ ની ટીમ ગણતરીની મિનિટોમાં ઈ.એમ.ટી. નિલેશ ગોહિલ અને પાયલોટ ગોરધનભાઈ તમાલિયા ઘટનાસ્થળે પહોંચી ક્ષણનો પણ વિલંબ કર્યા વિના નવજાત શિશુને સહી સલામત બહાર કાઢી ડોકટરની ટેલિફોનીક સલાહ મુજબ સ્થળ ઉપર જ સારવાર શરૂ કરી અને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપી નવજાત શિશુને નવજીવન બક્ષ્યું હતું.

શિશુને વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું. ત્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ નવજાત શિશુ સ્વસ્થ હોવાની પુષ્ટિ કરી પ્રાથમિક સાર સંભાળ હાથ ધરી હતી. આમ, “રામ રાખે તેને કોણ ચાખે” કહેવત અહીં સાર્થક થઈ છે અને જન્મતાની સાથે જ સીમ વિસ્તારમાં કુમળા ફૂલ જેવા શિશુને તત્કાલ સારવાર આપી ૧૦૮ની ટીમે તેનો જીવ બચાવી પોતાની ઉમદા ફરજ નિભાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!