*સ્વચ્છતા વિશે ખાસ અહેવાલ*
——
*ગરૂડેશ્વરના રામચોક ખાતે સ્વચ્છતા ઝુંબેશના મહાયજ્ઞમાં “પ્રજા-તંત્ર” એ શ્રમદાન કરીને આપ્યો સ્વચ્છતાનો સંદેશો*
——
*રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે જાહેર માર્ગો-સ્થળોની સાફ-સફાઈ પર વિશેષ મહત્વ*
——
*સમાજમાં સ્વચ્છતા જાગૃતિને ટકાવી રાખવામાં સ્વચ્છતા કર્મીઓની કામગીરી બિરદાવવા પાત્ર છે :- SOUના અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા*
——
*જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ પણ સ્વચ્છતા ઝુંબેશને અનુલક્ષીને હાથમાં ઝાડુ લઈને સફાઈમાં જોડાયા*
——
રાજપીપલા, રવિવાર :- વડાપ્રધાનશ્રીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે જનભાગીદારીથી શરૂ થયેલા સ્વચ્છ ભારત મિશન આજે જનઆંદોલન બની ચૂક્યુ છે. વડાપ્રધાનશ્રીના પ્રેરક માર્ગદર્શન હેઠળ ફરી એક વાર “સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ થકી લોકોમાં સ્વચ્છતાની ભાવના કેળવવા માટે જનપ્રતિનિધિશ્રીઓ સહિત નાગરિકો પણ સ્વૈચ્છિક શ્રમદાન કરીને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાની ઉત્સાહભેર કામગીરી કરી રહ્યાં છે.
રાજ્ય-રાષ્ટ્ર સહિત નર્મદા જિલ્લામાં પણ સરકારી-ખાનગી સંસ્થાઓ સહિત નાગરિકો સ્વચ્છતાના આ મહાયજ્ઞમાં ઉત્સાહભેર શ્રમદાન કરીને લોકોને સંદેશો આપી રહ્યાં છે ત્યારે ગરૂડેશ્વર તાલુકાના એકતાનગર રામચોક ખાતે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રી, કર્મયોગીઓ, સ્વચ્છતા કર્મીઓ, ગ્રામજનો મળીને રાત્રીસફાઈ વેળાએ સ્વચ્છતાના મહાયજ્ઞમાં સફાઈ શ્રમદાન થકી આસપાસ પડેલા કચરાનો નિકાલ કર્યો હતો. એકતાનગરની આસપાસના 10 જેટલા ગામોમાં પણ સ્વચ્છતા અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરાશે. આ પ્રસંગે અધિકારીશ્રીઓએ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતાને જીવનશૈલીનો ભાગ બનાવવા આહ્વાન કર્યુ હતું.
સ્વચ્છ ભારત મિશન માત્ર સરકારી કાર્યક્રમ-યોજના જ નહીં પરંતુ નાગરિકોની જીવનશૈલીમાં આમુલ પરિવર્તન લાવવા માટેનો આ મહાયજ્ઞ છે. વર્ષ ૨૦૧૪ માં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલુ સ્વચ્છ ભારત મિશન જનભાગીદારીથી આજે જનઆંદોલનમાં પરિણમ્યું છે.
એકતાનગરના રામચોક ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયાના નેતૃત્વમાં યોજાયેલી સ્વચ્છતા રાત્રી ડ્રાઈવમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવતા જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓએ પોતાના સ્વચ્છતા અભિયાનને અનુલક્ષીને પોતાના પ્રતિભાવો આપ્યા હતા.
*”સ્વચ્છતા હી સેવા” ઝુંબેશ અંતર્ગત જિલ્લાના અધિકારીશ્રીઓના પ્રતિભાવો*
• સમાજમાં સ્વચ્છતાને ટકાવી રાખવામાં સ્વચ્છતા કર્મીઓની કામગીરી બિરદાવવા પાત્ર છે – અધિક કલેક્ટરશ્રી ગોપાલ બામણીયા
• સ્વચ્છતા સ્વાસ્થ્ય અને આરોગ્યપ્રદ જીવનપ્રણાલી સાથે સંકળાયેલી છે, રોગથી બચવા માટે સ્વચ્છતા અતિમહત્વપૂર્ણ છે. આ ઝુંબેશ નાગરિકોને સ્વચ્છતાના મહત્વ વિશે જાગૃત કરવા કારગત બનશે – મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જનકકુમાર માઢક
• રાષ્ટ્રના ઉજ્જવળ ભાવિ એવા બાળકોમાં સ્વચ્છતાની ભાવના કેળવવાની જવાબદારી શિક્ષકોની સાથે વાલીઓની પણ છે. જે નવા રાષ્ટ્રના નિર્માણ માટે અતિમહત્વપૂર્ણ છે – જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ પટેલ
• વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલા સ્વચ્છતા હી સેવા ઝુંબેશમાં સમાજના પ્રત્યેક નાગરિકની ભાગીદારી અતિમહત્વપૂર્ણ – જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિનોદભાઈ પટેલ
• સ્વચ્છતા દેશનું સૌંદર્ય છે, જેને જાળવવાની જવાબદારી સમાજના પ્રત્યેક નાગરિકની છે – નાયબ નિયામક પશુપાલનશ્રી જે.આર.દવે
આ પ્રસંગે જિલ્લા આઈ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલ, જિલ્લા આયુષ અધિકારીશ્રી ડો.નેહા પરમાર, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) કાર્યપાલક ઇજનેરશ્રી એ.એસ.પટેલ, રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાહુલભાઈ ઢોડીયા, ગરૂડેશ્વર તાલુકા વિકાસ અધિકારીશ્રી રાવચંદ રાઠવા, તિલકવાડા તાલુકા વિકાસ અધિકારીશ્રી જે.કે.જાસોલિયા સહિત જિલ્લા-તાલુકાના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ, એસ.આર.પી. અને પોલીસના જવાનો, વડોદરા મહાનગરપાલિકા સહિતના સફાઈકર્મીઓ તેમજ ગ્રામજનો પોતે ઉત્સાહભેર ભાગીદારી નોંધાવીને સફાઈ અભિયાનમાં જોડાયા હતા.
000