AHAVADANGGUJARAT

Dang: હીટ વેવથી બચવા માટે કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

રાજ્યભરમાં કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. લૂ લાગવાના કિસ્સાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હાલના ધોમધખતા ઉનાળામાં હીટ વેવથી બચવા માટે, નાગરિકો દ્વારા કેટલીક આવશ્યક તકેદારી રાખવાથી અસહ્ય ગરમીથી રાહત મેળવી શકાશે.

હીટ વેવ દરમિયાન જરૂરી ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવુ. આખુ શરીર અને માથુ ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ ખુલતા કપડા પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી લેવી. ભીના કપડાથી માથું ઢાંકી રાખવુ.અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું, અને વારંવાર ઠંડુ પાણી પીવું.

વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ, અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઇએ. રાત્રે ૧૦ નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી, સવારે આ પાણી પીવુ, અને દ્રાક્ષ ખાવી. તરબૂચનો ઉપયોગ સવાર અને બપોરે કરવો જોઈએ.

લીંબુ શરબત, મોળી છાશ, તાડફળી, અને નારીયેળનું પાણી, ખાંડ-મીઠાના પીણાં પીવા જોઈએ. બજારમાં મળતો ખુલ્લો વાસી ખોરાક, બરફ વગેરેનો ઉપયોગ ટાળવો. લગ્ન પ્રસંગમાં દૂધ માવાની આઈટમ ખાવી નહીં. ચા-કોફી અને આલ્કોહોલના સેવનથી લૂ લાગવાની શક્યતા વધે છે. તેથી તેનું સેવન કરવાનું ટાળવું. બપોરે બે થી ચાર વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવુ.

માથું દુ:ખવુ, પગની પિંડીઓમાં દુ:ખાવો થવો, શરીરનું તાપમાન વધવુ, ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થવુ, ઉલટી, ઉબકા, ચક્કર, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવુ, સુધ-બુધ ગુમાવી દેવી, અતિ ગંભીર કિસ્સાઓમાં ખેંચ આવવી વગેરે હીટ વેવનાં લક્ષણો છે.
લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર કે સરકારી દવાખાનાનો સંપર્ક સાધવો જોઈએ.
ખેડૂતોએ કૃષિ માટે ઊભા પાકને વારંવાર પિયત આપવુ, અને નિંદામણ કરીને જમીનને ભેજવાળી રાખવી જોઈએ. ગાય-ભેંસો સહિતના પ્રાણીઓને છાંયડામાં રાખવા, અને પીવા માટે પુષ્કળ પ્રમાણમાં ઠંડુ અને સ્વચ્છ પાણી આપવું. મરઘા ઘરમાં પડદા અને યોગ્ય વેન્ટિલેશન રાખવું જોઈએ. બપોરના કલાકો દરમિયાન ઢોરને ચરાવવા લઈ જવા કે દાણ આપવાનું ટાળવું જોઈએ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!