આણંદ- કોંગ્રેસ સમિતિ ઍ કલેકટર ને આવેદન આપ્યું. સામાજિક કાર્યકર પર થયેલ ફરિયાદ રદ કરવા માંગ.

આણંદ- કોંગ્રેસ સમિતિ ઍ કલેકટર ને આવેદન આપ્યું. સામાજિક કાર્યકર પર થયેલ ફરિયાદ રદ કરવા માંગ.
તાહિર મેમણ – આણંદ – 02/12/2025 આણંદ – આણંદ થોડા દિવસ પહેલા સામાજિક કાર્યકર હર્ષિલ દવેની આગેવાની હેઠળ આણંદ મહાનગરપાલિકાના પાદરિયા વિસ્તારમાં ઉભરાતી ગટરના પ્રશ્નો મુદ્દે મનપા કચેરીમાં નાગરિકોએ ગંદા પાણીની બોટલો ઓફિસમાં ઢોળીને સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવીયો હતો. મહિલાઓએ કર્મચારીઓને ‘બંગડીઓ પહેરી લો’ કહી આક્રોશ વ્યક્ત કરતા શાબ્દિક ઘર્ષણ થયું હતું. તેમજ આગામી સોમવાર સુધી નિવેડો નહીં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારાઈ હતી.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના પધારિયા વિસ્તારમાં આવેલી આશીર્વાદ સોસાયટી અને નીલગીરી સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. વારંવાર ગટર ઉભરાવાથી આ વિસ્તારમાં અસહ્ય ગંદકી તેમજ દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે. આ અંગે સ્થાનિકો દ્વારા મનપા કચેરીમાં લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું ન હતું. આખરે આ ગટર ઉભરાવવાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલાં સ્થાનિકો ગત તારીખ 27-11-2025 ના રોજ સામાજિક કાર્યકર હર્ષિલ દવેની આગેવાની હેઠળ કરમસદ-આણંદ મનપા કચેરીએ પહોંચ્યાં હતાં અને ગટરનું ગંદુ પાણી મનપા કચેરીમાં ઢોળીને તેમજ નાયબ મ્યુનિસિપલ કમિશ્નરના ટેબલ પર બંગડી ફેંકીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સાથે-સાથે આવેદનપત્ર આપી સત્વરે સમસ્યાનો હલ કરવાની માંગ ઉચ્ચારી હતી. જે તે વખતે નાયબ મ્યુનિસિપલ કમિશ્નરના પી.એ સંતોષ અરૂણભાઈ રાજગુરુ અને સામાજિક કાર્યકર હર્ષિલ દવે વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. આ અંગે સંતોષ રાજગુરુએ આણંદ ટાઉન પોલીસમથકમાં હર્ષિલ દવે વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.
આ ફરીયાદ ખોટી રીતે કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે આજરોજ વલ્લભ વિદ્યાનગર શહેર કોંગ્રેસ સમિતી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, ગત તારીખ 27-11-2025 ના રોજ હર્ષિલ દવે પાધરિયા વિસ્તારની આર્શિવાદ અને નિલગીરી સોસાયટીના ગટરના પ્રશ્ને રજૂઆત કરવા કરમસદ-આણંદ મહાનગરપાલિકાની ઓફિસે ગયાં હતાં. તેઓ ડે. કમિશ્નર સમક્ષ રજૂઆત કરતા હતા, તે સમયે તેમના સહકર્મી સંતોષ રાજગુરુએ હર્ષિલભાઈ સામે ઉગ્રતાથી તથા અસભ્ય રીતે અશિષ્ટ ભાષા વાપરી અપમાનજનક વર્તન કર્યું હતું. જે બાદ રાજકીય ઇશારે તેમની સામે 30 કલાક પછી ખોટી F.I.R કરી છે, જેમાં ગંભીર પ્રકારની કલમો લખી છે. આ સંતોષ ભાજપ પક્ષનો સક્રિય કાર્યકર છે.
પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરી, સત્તાધિશો સમક્ષ રજૂઆત કરવી એ જાગૃત નાગરિકનો બંધારણીય અધિકાર છે, જેનું હનન થાય છે તથા પ્રજાની હાડમારીઓ તરફ સત્તાધિશો ઘોર અવગણના કરે છે, જે અન્યાયી અને ગેરવાજબી કહેવાય. રજૂઆત કરનાર નાગરિક સાથે અસભ્ય, અપમાનજનક વ્યવહાર કરી ગલીચ ભાષા વાપરનાર તથા હેબુંદુ વર્તન કરનાર કર્મચારી સામે ખાતાકીય તપાસ કરી કાનૂની કાર્યવાહી કરવી જોઇએ. તથા રાજકીય ઇશારે થયેલી ખોટી ફરીયાદ પણ રદ થવી જોઇએ તથા ન્યાયિક કાર્યવાહી કરી આવા કર્મચારી સામે શિક્ષાત્મક પગલાં ભરવા અમારી માંગણી છે.
જો આ બાબતે ન્યાયિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટું જનઆંદોલન કરી નગરપાલિકાના કર્મચારીઓની આડોડાઈ અને તેમની કામગીરી કરવાની નિષ્ક્રિયતા છતી કરીશું તથા જરૂર પડે ગુજરાત હાઇકોર્ટ કે સુપ્રિમકોર્ટ સુધી લડત આપીશું.





