ભરૂચમાં જુગારધામ પર દરોડો, બે જુગારી ઝડપાયા:ઝાડેશ્વર પાસે બાવળની ઝાડીમાંથી ₹1.01 લાખનો મુદ્દામાલ જપ્ત, બે ફરાર

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસે ઝાડેશ્વર જૂના સ્મશાનગૃહ પાસે બાવળની ઝાડીમાં ચાલી રહેલી જુગારની અસમાજિક પ્રવૃત્તિ પર દબિશ કરી બે જુગારીઓને રોકડ રકમ, મોબાઈલ ફોન તથા વાહનો સાથે ઝડપી પાડ્યા હતા.
ભરૂચ “સી” ડિવિઝન પોલીસ સ્ટેશન તથા સ્ટાફે શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી આધારે આ કાર્યવાહી અંજામ આપી હતી.પોલીસે સ્થળ પરથી શહેબાજખાન સલીમખાન પઠાણ (ઉ.વ.29, રહે. મહમદપુરા) અને પંકજ વસરામભાઈ ચાવડા (ઉ.વ.30, રહે. ગણેશનગર, મકતમપુર) નામના બે જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે કિરણ ઉર્ફે કાળું ડાહ્યાભાઈ પટેલ તથા અનિલ ઉર્ફે ભયલું પટેલ (બન્ને રહે.મકતમપુર) ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે.
આ દરમિયાન પોલીસને કુલ રૂ.1,01,120 નો મુદ્દામાલ મળી આવ્યો હતો જેમાં રોકડા રૂપિયા 11,120 બે મોબાઈલ ફોન (કિંમત રૂ.25,000), તથા બે વાહનો (કિંમત રૂ.65,000) નો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા કલમ-12 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, અને વધુ તપાસ ચાલુ છે.પોલીસના આ ઓપરેશનથી શહેરમાં જુગારના ધંધા ચલાવનારાઓમાં ચકચાર મચી છે.




