વલસાડ: નાણામંત્રી કનુભાઈ દેસાઇના હસ્તે નારગોલ ખાતેથી રૂ. ૩૩.૨૨ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*ગુજરાતમાં સૌથી વધુ પ્રોટેક્શન વોલના કાર્યો ઉમેરવામાં થયા છે – મંત્રીશ્રી કનુભાઈ*
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે નારગોલ ખાતેથી ઉમરગામ તાલુકાના રૂ. ૩૩.૨૨ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ ઉમરગામના નારગોલ બંદર ખાતે દમણગંગા નહેર સંશોધન વિભાગ હસ્તક રૂ. ૧૬.૬૮ કરોડના કોસ્ટલ પ્રોટેક્શન વર્ક માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા સંજાણ – નારગોલ રોડનું રૂ. ૧૨.૬૨ અને સરોન્ડા મરોલી રોડનું રૂ. ૩.૭૨ કરોડના ખર્ચે સ્ટ્રેન્ધનિંગ એન્ડ રિ- સર્ફેસિંગના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતનું સુકાન સંભાળ્યું હતું ત્યારે ગુજરાતના વિકાસ માટે અનેકવિધ કાર્યો કર્યા હતા. દુનિયાના રોકાણકારો ગુજરાત તરફ આકર્ષાયા જેથી ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ દ્વારા રોજગારી વધી, શિક્ષા વધારવા માટે શાળા પ્રવેશોત્સવ, આદિવાસીઓના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના, સાગરખેડુઓના વિકાસ માટે સાગરખેડુ યોજના તેમજ ખેડૂતોના વિકાસ માટે ખેતી મહોત્સવની શરૂઆત કરાવી હતી.
વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌથી વધુ પ્રોટેક્શન વોલના કામો ઉમરગામમાં જ થયા છે. નરગિસને ટુરિઝમ પ્લેસ તરીકે વિકસાવી રોજગારીની તકો તેમજ અન્ય લાભો પણ થશે. દરિયાઈ જેટી ગતિશક્તિ યોજનાથી દરિયાઈ પ્રવાસનની તકો ઊભી થશે તેમજ રસ્તાઓ પરનું ભારણ પણ ઘટશે. આ સુવર્ણકાળમાં સૌ સાથે મળીને કામો કરીએ તો વધુમાં વધુ વિકાસ થશે.
ખાતમુહૂર્ત પ્રસંગે ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકાના થયેલા વિવિધ વિકાસ કાર્યોની અને ભવિષ્યમાં થનારા કામોની રૂપરેખા આપી પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લલીતાબેન ધુવાડા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, નારગોલ પંચાયત પ્રમુખ શ્રીમતી સ્વીટી ભંડારી, વિવિધ સમાજના પ્રમુખો અને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
*બોક્સ*
*દરિયાઈ ધોવાણ અટકાવતી પ્રોટેક્શન વોલ કેવી રીતે બનશે?*
(૧) સૌપ્રથમ જીઓફેબ્રિક લેયર પાથરી નાયલોન પાથરવાની કામગીરી
(૨) કોર લેયરમાં ટોપ, સ્લોપમાં તથા ટો- લેયરમાં ૦.૬૦ મીટર જાડાઈના ૨૦ થી ૫૦ કિલો વજનના પથ્થરો પાથરવાની કામગીરી
(૩)સેકન્ડરી લેયરમાં ૦.૯૦ મીટર જાડાઈમાં ૨૦૦ થી ૩૦૦ કિલો વજનના પથ્થરો કોર લેયર ઉપર પાથરવાની કામગીરી (૪)આર્મર લેયર અને ટો- પોર્શનમાં સેકન્ડરી લેયર ઉપર ૧.૭૦ મીટર જાડાઈમાં ૧૫૦૦ થી ૨૦૦૦ કિલો વજનના પથ્થરો પાથરવાની કામગીરી કરવામાં આવશે.




