વલસાડ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ કરતાં જિલ્લા પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ

0
160
વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લામાં તા. ૧૭ મી સપ્ટેમ્બર થી તા. ૨ જી ઓકટોબર સુધી આયુષ્માન સેવા પખવાડિયું ઉજવાશે      

                           જિલ્લાના નિક્ષય મિત્રોનું એવોર્ડ આપી સન્માન કરાયું.

માહિતી બ્યુરોઃ વલસાડઃ ૧૩ઃ આયુષ્માન ભવઃ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને તમામ આરોગ્ય યોજનાથી અવગત કરવા અને આ યોજનાઓની માહિતી તેમજ મળવાપાત્ર લાભો તેમના સુધી પહોંચે તે માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત તા. ૧૭ મી સપ્ટેમ્બર, ૨૦૨૩ થી તા. ૦૨ જી ઓકટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે. આ અભિયાનનું આજે દેશના રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુ દ્વારા ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં પણ આયુષ્માન ભવઃ અભિયાનની શરૂઆત આજે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહે જણાવ્યું હતું કે, આયુષ્માન ભવઃ યોજનાના કાર્યક્રમ હેઠળ દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન તા. ૧૭ મી સપ્ટેમ્બર થી તા. ૦૨ જી ઓકટોબર, ૨૦૨૩ સુધી ચાલનારા આ સેવા પખવાડિયા અંતર્ગત લાભાર્થીઓ સુધી તમામ આરોગ્યલક્ષી યોજનાઓનો લાભ આપવાનો છે. આ સેવા પખવાડિયા દરમિયાન જિલ્લાના અંતરિયાળ વિસ્તાર સુધી આરોગ્ય વિભાગ દ્વારા જે ગરીબ અને વંચિત લોકોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ મળ્યા નથી તેવા લોકોને આ કાર્ડનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ પર સ્વચ્છતા અભિયાન, અંગદાન માટે પ્રોત્સાહિત કરવા માટે અંગદાનની પ્રતિજ્ઞા તેમજ રકતદાન શિબિર યોજી લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત્તિ કેળવવામાં આવશે.

આ પ્રસગે જિલ્લા પંચાયત પ્રમુખ અને મહાનુભાવોના હસ્તે ટી. બી. રોગના દર્દીઓને ટ્રુનાટ મશીન અને ન્યુટ્રીશન કીટ આપી સહાયરૂપ થતી ૧૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓને નિક્ષય મિત્રોનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સૌ એ ઓર્ગન ડોનેશન માટે પ્રોત્સાહિત આપતી પ્રતિજ્ઞા લીધી હતી.

કાર્યક્રમમાં વલસાડના સાંસદ ર્ડો. કે. સી. પટેલે જણાવ્યું હતુ કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન તા. ૧૭ મી સપ્ટેમ્બર થી શરૂ થનારા આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત આ સેવા પખવાડિયા દરમિયાન રાજયના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્યની ટીમો જઇને લોકોને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત્ત કરશે અને આ લોકોને આયુષ્માન કાર્ડ વિતરણ કરશે.

આ અભિયાન અંતર્ગત તા. ૧૭ મી સપ્ટેમ્બરથી તા. ૨ જી ઓકટોબર સુધી આયુષ્માન સેવા પખવાડિયું ઉજવવામાં આવનાર છે. જેમાં પી. એમ. જે. એ. વાય યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવવાની અને વિતરણની કામગીરી ઝૂંબેશ સ્વરૂપે શરૂ કરાશે. જિલ્લાના દરેક તાલુકા સ્તરે દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આયુષ્માન ભવઃ અભિયાન અંતર્ગત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ બનાવી આપવામાં આવશે.ઉપરાંત તા. ૧૭ મી સપ્ટેમ્બરના રોજ સીવીલ હોસ્પિટલ વલસાડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવશે.

આ જ પ્રકારના બ્લડ ડોનેશન કેમ્પો સી. એચ. સી. પર પણ હાથ ધરાશે. તેવી જ રીતે સી. એચ. સી., પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે અંગદાનના શપથ અને અભિયાનના દર સોમવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.

આ સેવા પખવાડિયામાં દર અઠવાડિયાના શનિવારે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આરોગ્ય મેળા તેમજ દર ગુરૂવારે સી. એચ. સી. ખાતે મેડીકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે. જેમાં ઓબ્સ્ટેટ્રિક અને સ્ત્રીરોગ, બાળરોગ, સર્જરી, આંખ, કાન, નાક અને ગળા, દાંત અને મનોરોગના નિષ્ણાંતો દ્વારા લાભાર્થીઓની તપાસણી કરી સારવાર આપવામાં આવશે.

આ કાર્યક્રમ અંતર્ગત તા. ૦૨ જી ઓકટોબર, ૨૦૨૩ ના રોજ ગ્રામ્ય વિસ્તારો માટે ગ્રામ્ય સ્તરની ગ્રામસભા અને વિવિધ આરોગ્ય સંભાળ માટે જાગૃત્તિ વધારવા માટે ગ્રામ્ય આરોગ્ય સ્વચ્છતા અને પોષણ સમિતિ(વી. એચ. એસ. એન. સી)/શહેરી સ્થાનિક સંસ્થાની આગેવાની હેઠળ શહેરી વિસ્તારો માટે આયુષ્માન સભા યોજાશે. જેમાં આયુષ્માન સભા થકી ગ્રામ્ય કક્ષાએ વી. એચ. એસ. એન. સી. ની મીટીગો દ્વારા પ્રચાર- પ્રસાર કરી પી. એમ. જે. એ. વાય. કાર્ડની ઉપયોગિતા અને વિતરણ, આભા કાર્ડ બનાવવા, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા બિન ચેપી રોગો અને ક્ષય, રકતપિત,  રોગોનું નિર્મુલન વિગરે જેવા રોગો, પ્રજનન અને બાળ આરોગ્યને લગતા પ્રશ્નો, રસીકરણ, સ્વચ્છતા પોષણ, એનીમિયા, સીકલસેલ, કુટુંબ કલ્યાણ વગેરે અંગે સમુદાયમાં જાગૃત્તિ ફેલાય તે પ્રકારની કામગીરી જિલ્લા વહીવટીતંત્રઅને સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનમાં રહીને કરવામાં આવશે.

આ કાર્યક્રમનું સંચાલન આરોગ્ય વિભાગના નીકતાબેન દેસાઇ અને પ્રશાંત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી રંજનબેન પટેલ, મુખ્ય જિલ્લા અધિકારી ર્ડો. કિરણ પટેલ, મેડીકલ કોલેજના ર્ડો. શર્મા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. વિપુલ ગામીત, આર.સી. એચ. ઓ. ર્ડો..એ. કે. સિંઘ, સીવીલ હોસ્પટિલ વલસાડના અધિક્ષક ર્ડો. હીનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસરો, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકો, જિલ્લા કક્ષાના અન્ય આરોગ્ય અધિકારીઓ અને કમર્ચારીઓ ઉપસ્થિત રહયા હતા.

Aushman Bhav Abhiyan5 Aushman Bhav Abhiyan Aushman Bhav Abhiyan2

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here