યાત્રાળુઓની મુશ્કેલીઓ નિવારવા વન વિભાગ સહિતનો સ્ટાફ વાયરલેસ વોકીટોકી સાથે ઉપસ્થિત રહેશે
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન યાત્રાળુઓને અસુવિધા ન થાય તે માટે ગત પરિક્રમાઓની સરખામણીમાં સુવિધાઓ અને વ્યવસ્થાઓમાં વધારો કરવામાં આવ્યો છે. પીવાના પાણીના પોઈન્ટ વધારવાની સાથે પરિક્રમા રૂટ પર લાઈટની સુવિધા પણ છેલ્લી પરિક્રમા કરતા વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત આ વર્ષે નવા અભિગમ સાથે અને વાતાવરણના બદલાવના કારણે આગ-દવના બનાવ ન બને તે માટે અગ્નિશામક યંત્ર રાખવાની શરત સાથે અન્નક્ષેત્રની પરવાનગી આપવામાં આવી છે.
આ સંદર્ભે વધુ જાણકારી આપતા નાયબ વન સંરક્ષક અક્ષય જોષીએ જણાવ્યું કે, યાત્રાળુઓને પરિક્રમા દરમિયાન ભોજન માટે અગવડતા ન પડે તે માટે ૭૧ જેટલા અન્નક્ષેત્રને પરવાનગી આપવામાં આવી છે. પીવાના પાણી માટે વન વિભાગ દ્વારા ૧૫ જેટલા પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના પાણીના પોઈન્ટ મુકવામાં આવ્યાં છે. આમ, ગત વર્ષની સરખાણીમાં પીવાના પાણીની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે.
પરિક્રમા દરમિયાન કોઈ અઇચ્છનીય બનાવ ન બને અને યાત્રાળુઓની સુરક્ષા માટે વેટરનરી ડોક્ટર અને ટ્રેકર સાથેની છ રેસક્યુ ટીમ બનાવવામાં આવી છે. સાથે જ યાત્રાળુઓ પણ વન્ય પ્રાણીઓને ન છંછેડે તે પણ હિતાવહ છે.
આ વર્ષે પરિક્રમા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે માટે વિશેષ ભાર આપવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા ૫૦૦ જેટલી ડસ્ટબિન મૂકવામાં આવી છે અને તેટલી જ સેવાભાવી સંસ્થાઓ દ્વારા કચરાપેટી મૂકવામાં આવી છે. તેમજ નવા અભિગમ સાથે યાત્રીઓને મુશ્કેલી ન થાય તે રીતે રાત્રિના જ કચરાથી ભરાયેલી ડસ્ટબીનમાંથી કચરો બહાર કાઢી લેવામાં આવશે. સાથે જ તેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે.
નાયબ વન સંરક્ષકશ્રીએ ભાવિકોને અનુરોધ કરતા કહ્યું કે, લીલી પરિક્રમા નિયત સમય એટલે કે, કારતક સુદ અગિયારસના દિવસે તા.૨૩-૧૧-૨૦૨૩ના રોજ શરૂ કરે, જેથી શ્રદ્ધાળુઓને પૂરતી સુવિધાઓ મળી રહે.
તેમણે વધુ વિગતો આપતા કહ્યુ કે, આ વર્ષે ભારે વરસાદના કારણે પરિક્રમાના રસ્તાઓ અને કેડીઓનું ભારે ધોવાણ થયું હતું. જે વન વિભાગ દ્વારા તેનું સુપેરે મારા મત કાર્ય કરવામાં આવ્યું છે. ગિરનાર અભયારણ્ય ક્ષેત્ર હોવાથી પરિક્રમા રૂટ પર મોબાઈલ નેટવર્ક ન હોય જેથી યાત્રાળુઓને સુવિધા ન થાય તે માટે વન વિભાગ સહિતનો સ્ટાફ વાયરલેસ વોકીટોકી સાથે તૈનાત જ રહેશે. જે યાત્રાળુઓની મુશ્કેલી નિવારવા માટે ખડેપગે રહેશે. ભાવિકોએ કોઈ પણ મદદ માટે ઉપસ્થિત કર્મચારી અધિકારીઓનો સંપર્ક કરવો. વન વિભાગે પ્રકૃતિના જતન સહિતના સંદેશ આપતા સાઈન બોર્ડ અને હોર્ડિંગસ લગાડવામાં આવ્યા છે.
પરિક્રમામાં સહભાગી થનાર ભાવિકોની સંખ્યાની નળપાણી અને ગિરનાર સીડી ખાતેથી ગણતરી કરવામાં આવશે. ઉપરાંત વયોવૃદ્ધ અને જરૂરિયાતમંદ ભાવિકોને પરિક્રમા સરળતાથી કરી શકે તે માટે લાકડી આપવામાં આવશે.
ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકો માટે ગત વર્ષની સરખામણીમાં સુવિધાઓમાં વધારો
વાત્સલ્યમ્ સમાચાર