આસીફ શેખ લુણાવાડા
મહીસાગર વન વિભાગ દ્વારા કલરવ વિદ્યાલયમાં વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત ચિત્ર સ્પર્ધા યોજાઇ
રજી ઓકટોબર થી ૮ મી ઓકટોબર વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત આજ રોજ મહીસાગર વન વિભાગ લુણાવાડા રેન્જ દ્વારા કલરવ વિદ્યાલયમાં નાયબ વન સંરક્ષક એન વી ચૌધરીની અધ્યક્ષતામાં વન્યપ્રાણી જાગૃતિ અંગે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ” વન્યજીવ સંરક્ષણ માટે ભાગીદારી ” થીમ આધારીત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ ૭ અને ૮ ના મળીને ૬૦થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે નાયબ વન સંરક્ષક દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અંગે જાગૃતિ, પ્રકૃતિ શિક્ષણ અંગે તેમજ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમની જોગવાઈઓ તેમજ માનવ–વન્યપ્રાણી ઘર્ષણ અટકાવવા અંગેની સમજ આપવામાં આવી હતી. આ વિસ્તારમાં વધુ જોવા મળતા મગર જેવા વન્ય પ્રાણીના રેસ્કયુ બાબતે લોકોને અગત્યની માહીતી પૂરી પાડવામાં આવી.જાહેર જનતા માટે ઉપલબ્ધ કરવામાં આવેલ વન્યજીવના બચાવ,રાહત અને ફરીયાદ નિવારણ માટેની વન વિભાગની હેલ્પલાઈન ૧૯૨૬ વિષે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહપુર્વક ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ,દ્વિતીય અને તૃતિય એમ ત્રણ વિદ્યાર્થીઓ ઉપરાંત ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઈનામ એનાયત કરવામાં આવ્યા હતાં. હાલ જિલ્લામાં તમામ રેન્જમાં વન્યપ્રાણી સપ્તાહ અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે.