નવી દિલ્હી,૧૨ સપ્ટેમ્બર,૨૦૨૩,મંગળવાર
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેકશન વોચ દ્વ્રારા બહાર પાડવામાં આવેલી એક નવી માહિતી અનુસાર રાજયસભા અને લોકસભાના ૭૬૩ સાંસદોમાંથી ૩૦૬ પર અપરાધિક બાબતોને લગતા કેસ છે. આ સંખ્યા કુલ સાંસદોના ૪૦ ટકા જેટલી થાય છે.
સાંસદોના અપરાધિક મામલાને લગતી માહિતી ગત વર્ષ યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો દ્વારા આપવામાં આવેલા સોગંદનામા પર આધારિત છે. આ ડેટા અનુસાર ૧૯૪ સાંસદો પર ગંભીર પ્રકારના ગુના જેમ કે હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલા વિરુધના અપરાધને લગતા કેસ છે. એડીઆર દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર અપરાધિક કેસની યાદીની જાહેરાત કરનારા સાંસદોમાં કેરલના ૭૩ ટકા જેટલા છે.
ત્યાર પછી બિહાર અને મહારાષ્ટ્રના ૫૭ ટકા જયારે તેલંગાણાના ૫૦ ટકા છે. બિહારના સાંસદો ગંભીર પ્રકારના ગુનામાં સૌથી આગળ છે. ગંભીર ગુનામાં ઉત્તરપ્રદેશના ૩૭ ટકા અને મહારાષ્ટ્રના ૩૪ ટકા સાંસદો છે. સોગંદનામા પરથી માલૂમ પડયું હતું કે ૩૨ સાંસદો પર હત્યાના પ્રયાસનો (આઇપીસી ધારા ૩૦૭ હેઠળ ) આરોપ છે જયારે ૪ સાંસદો પર બળાત્કાર (આઇપીસી ધારા ૩૭૬ હેઠળ)ના પણ કેસ હતા.