જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે અથડામણમાં સેનાના ત્રણ અધિકારી અને એક જવાન શહીદ થયા છે. અધિકારીઓમાં એક કર્નલ, એક મેજર અને એક DSPનો સમાવેશ થાય છે. અનંતનાગમાં, આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો જ્યારે તેઓ સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા. જેમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને DSP હુમાયુ ભટ શહીદ થયા હતા.
મંગળવારે રાજૌરીમાં સૈનિક શહીદ થયા હતા. બંને જગ્યાએ હજુ પણ એન્કાઉન્ટર ચાલુ છે. રાજૌરીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે. મંગળવારે અહીં સર્ચ દરમિયાન આર્મી ડોગ પણ શહીદ થયો હતો. પોતાના હેન્ડલરનો જીવ બચાવવા તેણે પોતાનો જીવ આપી દીધો હતો.
સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે સામ-સામે ફાયરિંગમાં શહીદ થયેલા આર્મી-ડોગનું નામ કેન્ટ હતું. એણે આતંકવાદીઓ સાથેના ફાયરિંગ દરમિયાન તેના હેન્ડલરને બચાવ્યો અને એ પોતે શહીદ થયો છે. આ દુર્ઘટના ત્યારે થઈ, જ્યારે એ ભાગી રહેલા આતંકવાદીઓને શોધવા જવાનોના એક યુનિટનું નેતૃત્વ કરી રહ્યો હતો. આ દરમિયાન એ ગોળીબારમાં શહીદ થયો હતો.
આ મુદ્દે કેન્દ્રીય પ્રધાન પ્રહલાદ જોશીએ દુઃખ વ્યક્ત કરીને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ લખીને જણાવ્યું હતું કે આતંકવાદી વિરુદ્ધના ઓપરેશનમાં બે લશ્કરના અધિકારી અને એક પોલીસ અધિકારી શહીદ થયા છે. ભગવાન તેમના આત્માને સદગતી આપે એની પ્રાર્થના કરીએ છીએ.
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટ કરીને કહ્યું કે, જમ્મુ-કાશ્મીરથી ખુબ જ ગંભીર સમાચાર… દક્ષિણ કાશ્મીરના કોકેરનામ વિસ્તારમાં આજે એક અથડાણમાં સેનાના એક કર્નલ, એક મેજર અને એક જમ્મુ-કાશ્મીર પોલીસ ડીએસપીએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું… આતંકવાદી સાથેની અથડામણમાં ડીએસપી હુમાયૂં ભટ, મેજર આશીષ ધોનૈક અને કર્નલ મનપ્રીત સિંહ શહિદ થયા છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને આ દુઃખદ સમયમાં તેમના પરિવારજનોને શક્તિ આપે.