NATIONAL

જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ કલમ 370ને પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર

ભાજપના ધારાસભ્યોએ ઠરાવની નકલો ફાડી નાખી હતી. અને ધારાસભ્યોએ જમ્મુ-કાશ્મીરની નેશનલ કોન્ફરન્સની આગેવાની હેઠળની ઓમર અબ્દુલ્લા સરકાર વિરુદ્ધ જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા.

જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ કલમ 370ને પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ ધ્વનિ મતથી પસાર કરી દીધો છે. જમ્મુ અને કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરીએ કેન્દ્ર સરકાર દ્વારા 5 ઓગસ્ટ, 2019ના રોજ રદ કરેલ વિશેષ રાજ્યનાં દરજ્જાને પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કર્યો હતો.
પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘જમ્મુ અને કાશ્મીરની વિધાનસભા રાજ્યનો વિશેષ દરજ્જો અને બંધારણીય ગેરંટીના મહત્ત્વની પુષ્ટિ કરે છે. આ કલમ(370) જમ્મુ અને કાશ્મીરના લોકોના અધિકારો અને સંસ્કૃતિનું રક્ષણ કરે છે. જેને કેન્દ્રએ એકતરફી હટાવી દીધી હતી. જેના માટે કેન્દ્ર સરકારે વિશેષ દરજ્જો અને બંધારણીય ગેરંટીની પુનઃસ્થાપના કરવા માટે ચૂંટાયેલી જમ્મુ-કાશ્મીરની સરકાર સાથે વાતચીત કરવી જોઈએ. આ પ્રસ્તાવની જોગવાઈઓને પુનઃસ્થાપિત કરવા માટે બંધારણીય માળખાને ફરીથી તૈયાર કરવું જોઈએ. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા આ માટે કેન્દ્ર સરકારને આહ્વાન કરે છે. વિશેષ રાજ્યના દરજ્જાને પુનઃસ્થાપિત કરવાથી રાષ્ટ્રીય એકતાનો સંકલ્પ વધુ મજબૂત થશે. જમ્મુ-કાશ્મીરના લોકોના  અધિકારોનું રક્ષણ થવું જોઈએ.’

જેને લઈને વિધાનસભામાં ભારે હોબાળો થયો હતો. ભાજપના ધારાસભ્યોએ ઠરાવની નકલો ફાડી નાખી હતી. અને ધારાસભ્યોએ જમ્મુ-કાશ્મીરની નેશનલ કોન્ફરન્સની આગેવાની હેઠળની ઓમર અબ્દુલ્લા સરકાર વિરુદ્ધ જોરથી સૂત્રોચ્ચાર કર્યા હતા.

ભાજપના ધારાસભ્યોએ ‘5 ઓગસ્ટ ઝિંદાબાદ’, ‘વંદે માતરમ’, ‘જય શ્રી રામ’, ‘પાકિસ્તાની એજન્ડા નહીં ચાલે’, ‘જમ્મુ-કાશ્મીર વિરોધી એજન્ડા નહીં ચાલે’, ‘રાષ્ટ્રવિરોધી એજન્ડા નહીં ચાલે’ , ‘સ્પીકર હાય-હાય’ના નારા  લગાવ્યા હતા. જેના કારણે ગૃહની કાર્યવાહીમાં વાંરવાર અડચણ ઊભી થઇ રહી હતી. અંતે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ દરમિયાન નેશનલ કોન્ફરન્સ અને ભાજપના ધારાસભ્યો પણ સામસામે આવી ગયા હતા. તેઓએ એકબીજા પર ખૂબ કટાક્ષ કર્યા હતા.
ભાજપના નેતા સુનીલ શર્માએ અધ્યક્ષ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, તમે પક્ષપાત કરી રહ્યા છો. ગઈકાલે સાંજે મંત્રીઓની બેઠક બોલાવવામાં આવી હતી. તેની રિપોર્ટ અમારી પાસે છે. તમે લોકોએ જાતે જ ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો.’ અન્ય ભાજપના નેતા શામ લાલ શર્માએ જણાવ્યું હતું કે, ‘ગેસ્ટ હાઉસમાં જ બધું નક્કી કરી લેવામાં આવ્યું હતું. અધ્યક્ષ આમાં સંડોવાયેલા છે.’

Back to top button
error: Content is protected !!