એક અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોટામાં દિવસેને દિવસે બાળકો આત્મહત્યા કરી રહ્યા છે તેના માટે માત્ર તેના માતા-પિતા જવાબદાર છે. સાથે જ કોર્ટે કોચિંગ સેન્ટરો પર લગામ લાગવવાની વાતને નકારી કાઢી હતી. આ વર્ષની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 24 બાળકોએ આત્મહત્યા કરી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાના વધતા કેસ પાછળ સૌથી મોટુ કારણ પેરેન્ટ્સ તરફથી બાળકો પર દબાણ છે. આ સિવાય કોમ્પિટિશન પણ વિદ્યાર્થીઓની આત્મહત્યા કરવા પાછળનું એક કારણ છે.
દેશમાં ઝડપથી ફેલાતા કોચિંગ સેન્ટરોને રેગ્યુલરાઇઝ કરવાની માંગ ધરાવતી એક અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભટ્ટીની બેંચે કોચિંગ સેન્ટરોને આદેશ આપવાનો ઇનકાર કર્યો હતો. આ અરજી મુંબઇના ડૉ. અનિરૂદ્ધ નારાયણ માલપાનીને કરી હતી. ડૉ. માલપાની તરફથી વકીલ મોહની પ્રિયાએ કોર્ટમાં દલીલો કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો તેમના માતા-પિતાની વધુ પડતી આશાના કારણે મોતને ભેટે છે. માતાપિતા તેમના બાળકો પાસેથી તેમની ક્ષમતા કરતાં વધુ અપેક્ષા રાખે છે. જેના કારણે બાળકો દબાણમાં આવીને આ પગલું ભરી લેતા હોય છે. સુપ્રીમ કોર્ટે એક ડૉક્ટર અનિરુદ્ધ નારાયણ માલપાણીની અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કરી હતી જેમણે બાળકોની આત્મહત્યા માટે કોચિંગ સેન્ટરોને જવાબદાર ઠેરવ્યા હતા.