મણિપુરના કાંગપોકપીમાં 12 સપ્ટેમ્બરના રોજ ગોળીબારમાં ત્રણ લોકોના મોત થયા હતા. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, અજ્ઞાત હુમલાખોરોએ કાંગગુઈ વિસ્તારમાં ઈરેંગ અને કરમ વાફેઈ ગામની વચ્ચે સવારે લગભગ 8.20 વાગ્યે ગ્રામીણો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો, જેમાં ત્રણના મોત થયા.
આ પહેલા 8 સપ્ટેમ્બરે તેંગનોપલના પલેલમાં ફાટી નીકળેલી હિંસામાં ત્રણ લોકો માર્યા ગયા હતા અને 50થી વધુ ઘાયલ થયા હતા. કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે આરક્ષણને લઈને ચાલી રહેલા વિવાદને પગલે મણિપુરમાં 3 મેથી અત્યાર સુધીમાં 160થી વધુ લોકોના મોત થયા છે.
અહીં, રાજ્યના 23 ભાજપના ધારાસભ્યોએ મંગળવારે એક ઠરાવ પસાર કર્યો, જેમાં તેઓએ 10 કુકી ધારાસભ્યો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી. કુકી ધારાસભ્યો રાજ્યમાં અલગ વહીવટની માગ કરી રહ્યા છે. આ પ્રસ્તાવને લઈને ભાજપના ધારાસભ્યો સીએમ એન બિરેન સિંહને પણ મળ્યા હતા.
હાલમાં રચાયેલ સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન યૂથ ઓફ મણિપુર (YOM) સોમવારે રાત્રે ભાજપના ધારાસભ્યો સાથે હતું. તેઓ મુખ્યમંત્રીને પણ મળ્યા હતા. YOM સભ્યોએ અલગ વહીવટની માંગ કરતા 10 કુકી ધારાસભ્યો સામે કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી. તેમણે આ મુદ્દે ચર્ચા કરવા અને રાજ્યમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (NRC) લાગુ કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની પણ માંગ કરી હતી.
ભાજપના 23 ધારાસભ્યોએ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસ્તાવમાં, તેમણે વચન આપ્યું હતું કે તેઓ મણિપુરની પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ કરશે અને ટૂંક સમયમાં દિલ્હી જશે અને મણિપુર સંકટનો ઉકેલ માટે કેન્દ્ર સરકાર સાથે વાત કરશે. જો કે, મુખ્યમંત્રી એન બિરેન સિંહે પ્રસ્તાવ પર સહી કરી નહોતી.