ડીઝલ વાહનો પર ૧૦ ટકા વધુ વેરો લાદો: પરિવહન અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરી

0
36
વાત્સલ્યમ્ સમાચાર

નવી દિલ્હી: પ્રદૂષણમાં ઘટાડો કરવા ડીઝલથી ચાલતા વાહનો પર વધુ ૧૦ ટકા વેરો લાદવાની જરૂર હોવાનું રોડ, પરિવહન અને હાઈવે ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું હતું. જોકે, આ પ્રકારનો ટૅક્સ લાદવાનો કોઈ પ્રસ્તાવ સરકારની વિચારણા હેઠળ ન હોવાની બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી.
ઑટોમોબાઈલ ઉત્પાદક સંસ્થા સોસાયટી ઑફ ઈન્ડિયન ઑટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ ‘સિઆમ’ દ્વારા યોજવામાં આવેલા વાર્ષિક મેળાવડામાં બોલતા તેમણે કહ્યું હતું કે પ્રદૂષણમાં સતત થઈ રહેલો વધારો આરોગ્ય માટે ગંભીર ચિંતાની બાબત છે અને એટલે જ ડીઝલનું વેચાણ ઘટાડવા તેના પર વધુ ૧૦ ટકા વેરો લાદવો જોઈએ.
ડીઝલ ઍન્જિન-વાહનો પર વધારાનો ૧૦ ટકા જીએસટી લાદવાની હું નાણા પ્રધાનને વિનંતી કરું છું, એમ ગડકરીએ કહ્યું હતું.
ડીઝલ વાહનોને રસ્તા પરથી હટાવવાનો આ જ એકમાત્ર માર્ગ છે, એમ તેમણે કહ્યું હતું.
આ અંગેનો પત્ર પણ મેં તૈયાર કરી દીધો છે, એમ જણાવતાં ગડકરીએ કહ્યું હતું કે નાણા પ્રધાનને આ પત્ર સુપરત કરવા તેમની સાથે બેઠક કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું હતું. પ્રદૂષણ ઘટાડવા વધુ સ્વચ્છ ઈંધણ વાપરવાની જરૂર હોવાનું તેમણે કહ્યું હતું.
વર્ષ ૨૦૭૦ સુધીમાં પ્રદૂષણનું સ્તર ‘નૅટ ઝીરો કાર્બન’ સુધી લઈ જવાના લક્ષ્યને સિદ્ધ કરવું હશે તો ડીઝલ જેવા હાનિકારક ઈંધણને કારણે થતાં પ્રદૂષણ તેમ જ વાહનોના ખૂબ જ ઝડપથી વધી રહેલા વેચાણને ઘટાડવા વધુ સ્વચ્છ વૈકલ્પિક ઈંધણનો ઉપયોગ વધારવો પડશે.
તેમણે ચેતવણી આપી હતી કે સરકાર વેરામાં એટલો વધારો કરી દેશે કે ડીઝલ વાહનો વેચવાનું મુશ્કેલ બની જશે.
હાલ દેશમાં મોટાભાગના કમર્શિયલ વાહનો ડીઝલ પર ચાલી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
પ્રવાસી વાહન ક્ષેત્રમાં મારુતી સૂઝુકી ઈન્ડિયા અને હૉન્ડાએ ડીઝલ કારનું ઉત્પાદન કરવાનું બંધ કરી દીધું છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે દેશમાં ડીઝલ કારનું પ્રમાણ અસાધારણી રીતે ઓછું થઈ ગયું છે અને ઉત્પાદકોએ હવે બજારમાં ડીઝલ વાહનો વેચવાનું બંધ કરવું જોઈએ.
તેમણે કહ્યું હતું કે ભારતના પરિવહન ક્ષેત્રમાં મોટા પ્રમાણમાં અશ્મિજન્ય ઈંધણનો ઉપયોગ કરવામાં આવે છે, જેને કારણે આર્થિક તેમ જ પ્રદૂષણને લગતા પડકારો ઊભા થાય છે.
તેમણે ઈલેક્ટ્રીક વાહનો ઉપરાંત વૈકલ્પિક ઈંધણ તરીકે બાયોઈંધણ, ઈથનોલ અને ગ્રીન હાઈડ્રોજનનો ઉપયોગ કરવાની ભલામણ કરી હતી.
દેશમાં સારા રસ્તાઓ બની રહ્યા હોવાને કારણે ઑટોમોબાઈલ ઉદ્યોગનો ૧૫થી ૧૮ ટકાના દરે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, જેને કારણે અશ્મિજન્ય ઈંધણનો ઉપયોગ વધી રહ્યો છે, એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે આને કારણે ઉદ્યોગજગત-કંપનીઓ તો ખુશ છે, પરંતુ પ્રદૂષણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો હોવાને કારણે દેશ નાખુશ છે.
આ સમસ્યાનો ઉકેલ લાવવા ગડકરીએ ઑટોમોબાઈલ ઉદ્યોગ પાસે સહકારની માગણી કરી હતી. (એજન્સી)

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here